Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વિપક્ષોના બહિષ્કાર વચ્ચે કૃષિને લગતો ત્રીજો ખરડો પણ રાજ્યસભામાં પાસ

કૃષિ વિધેયક મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ જારી : કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ચોમાસુ સત્રના બહિષ્કારનો લીધો નિર્ણય

નવી દિલ્હી તા. ૨૨ : કૃષિ વિધેયકો પર સંસદમાં વિપક્ષ અને મોદી સરકાર વચ્ચે હોબાળો ચાલુ છે. જો કે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ દ્વારા મોનસુન સત્રનો બહિષ્કાર કરવાના નિર્ણય વચ્ચે મોદી સરકારે રાજ્યસભામાં કૃષિ બિલ સાથે જોડાયેલું ત્રીજું બીલ પણ આજે પાસ કરાવી લીધું.

અનાજ, દલહન, તિલહન, ખાદ્યતેલ, ડુંગળી તેમજ બટાકાને આવશ્યક વસ્તુઓની યાદીમાંથી હટાવાના જોગવાઇ વિધેયકને મંજૂરી આપી દીધી છે.

એ પહેલા રાજ્યસભામાં કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય વિધેયક-૨૦૨૦ અને સશકિતકરણ તેમજ સંરક્ષણ કિંમત આશ્વાસન કરાર અને કૃષિ સેવા પર કરાર વિધેયક ૨૦૨૦ને મંજુરી આપી દીધી છે. આવશ્યક વસ્તુ સંશોધન વિધેયક રાજ્યસભાની પાસે કર્યા બાદ કૃષિ સાથે જોડાયેલા ત્રણ વિધેયકોની મંજુરી મળી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સહિત સંપૂર્ણ વિપક્ષી પાર્ટીઓએ એક સ્વરમાં કહ્યું છે કે, કૃષિ બિલોને પાછા લઇ શકાય નહીં, ત્યાં સુધી તેઓ સંસદના બાકી રહેલા મોનસુન સત્રનો બહિષ્કાર કરશે. રવિવારે તે જ કૃષિ બિલો વિરૂધ્ધ રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ત્યારબાદ કાર્યવાહી હેઠળ વિપક્ષના આઠ સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા.

(3:01 pm IST)