Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

રાજકોટમાં કોરોનાને હરાવતા ૪ હજાર દર્દીઓ : આજે ૪૨ કેસ

કુલ કેસનો આંક ૫૨૬૪ એ પહોંચ્યો : રિકવરી રેટ ૭૭.૬૩ ટકા થયો : નવા ૮ વિસ્તાર સહિત ૮૩ માઇક્રોકન્ટેનમેન્ટ ઝોન : ૫૩ હજાર ઘરનો સર્વે : માત્ર ૧૬ લોકોને તાવ, શરદી, ઉધરસના લક્ષણો

રાજકોટ,તા.૨૨: સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જાય છે ત્યારે રાજકોટ શહેરમાં પણ કોરોના કેસનાં આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે  આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં  ૪૨ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૨ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૫૨૬૪  પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૪૦૫૪ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૭૭.૬૩ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૨૬૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૩ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૧૭ ટકા થયો  હતો. જયારે ૧૨૪ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૧,૭૯,૫૩૭લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૯૩૦ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૯૦  ટકા થયો છે.

માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

શહેરમાં ગઇકાલની સ્થિતિએ  મફતિયાપરા- મવડી પ્લોટ, ઇન્ડિયન પાર્ક-રૈયા રોડ, મોમ્બાસા સોસાયટી, તિરૂપતિનગર- રૈયા રોડ, લક્ષ્મી સોસાયટી- નાના મૌવા રોડ, વર્ધમાન નગર- પેલેસ રોડ, યમુના નગર, યુનિર્વસિટિ રોડ, સંજય નગર- જામનગર રોડ, રાજારામ સોસાયટી- સંતકબીર, મધુવન પાર્ક-હુડકો પોલીસ ચોકી  સહિતના વિસ્તારોમાં ૮૩ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

૫૩ હજાર ઘરોનો સર્વેઃ માત્ર ૨ લોકોને તાવનાં લક્ષણો

શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગઇકાલે કુલ ૫૩,૨૫૪ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૧૬ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.   જ્યારે ઝુલેલાલનગર, વાલ્મિકી કવાટર્સ, પરસાણા નગર, ગાંધીગ્રામ, રૈયાધાર, સ્વપ્નલોક રેસી., ન્યુ થોરાળા,  બજરંગ વાડી, રઘુવીર પરા, ધર્મેન્દ્ર  રોડ સહિતનાં વિસ્તારોમાં ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૫૮૨લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

(2:59 pm IST)