Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

નોકરીયાતો માટે સારા સમાચાર

એક વર્ષ કામ કરશો તો પણ મળશે ગ્રેજ્યુટીનો ફાયદો !

નવી દિલ્હી,તા.૨૨: સંસદના મોનસૂન સત્રમાં કેન્દ્ર સરકારે શ્રમ સુધારો   સાથે જોડાયેલા ત્રણ ખરડા લોકસભામાં રજૂ કર્યા છે. તેમાં સોશિયલ સિકયોરિટી કોડ ૨૦૨૦  પણ સામેલ છે. સોશિયલ સિકયોરિટી કોડમાં ઘણી નવી જોગવાઇ ઉમેરવામાં આવી છે. તેમાંથી એક જોગવાઇ ગ્રેજયુટી ને લઇને છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રેજયુટી પાંચ વર્ષના બદલે એક વર્ષમાં મળી શકે છે.

સોશિયલ સિકયોરિટી કોડ ૨૦૨૦ માં નવી જોગવાઇની ડિટેલ્સ આપવામાં આવી છે. પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરનાર લોકોને સીધો ફાયદો થશે. એવા કર્મચારી જે ફિકસ્ડ ટર્મ બેસિસ પર નોકરી કરે છે, તેમને એટલા દિવસના આધારે જ ગ્રેજયુટી મેળવવાનો હક રહેશે. તેના માટે પાંચ વર્ષની જરૂર નથી. સરળ ભાષામાં સમજીએ તો કોન્ટ્રાકટ બેસિસ પર કામ કરનાર કર્મચારીઓને તેમના વેતન સાથે-સાથે ગ્રેજયુટીનો ફાયદો પણ મળી શકશે. ભલે કોંટ્રાકટ ગમે તેટલા દિવસનો હોય, તેમને વેતનના આધારે ગ્રેજયુટીની ચૂકવણી કરવામાં આવશે.

સોશિયલ સિકયોરિટી કોડ ૨૦૨૦ ને અત્યારે સંસદના બંને સદનોમાંથી મંજૂરી મળવાની બાકી છે. ત્યારબાદ જ આ કાયદો બનશે. કાયદો બન્યા પછી જ તેની તમામ જાણકારી સામે આવશે. અત્યારે સરકાર તરફથી ફકત આટલી જ જાણકારી રાખવામાં આવી છે. કાયદો બન્યા પછી જ નિયમ અને શરતો પણ લાગૂ થશે.

ગ્રેજયુટી પેમેન્ટ એકટ૧૯૭૨ના નિયમો ના અનુસાર, ગ્રેજયુટીની રકમ વધુમાં વધુ ૨૦ લાખ રૂપિયા સુધી હોય શકે છે. ગ્રેજયુટી માટે કર્મચારીને એક જ કંપનીમાં ઓછામાં ઓછા ૫ વર્ષ સુધી નોકરી કરવી અનિવાર્ય છે. તેનાથી ઓછા સમય માટે કરવામાં આવેલી નોકરીની સ્થિતિમાં કર્મચારી ગ્રેજયુટીની પાત્રતા રહેતી નથી. ૪ વર્ષ ૧૧ મહિનામાં નોકરી છોડવાથી પણ ગ્રેજયુટી મળતી નથી. જોકે અચાનક કર્મચારીના મોત અથવા દુર્દ્યટના થતાં નોકરી છોડવાની સ્થિતિમાં નિયમ લાગૂ પડતો નથી.

(11:41 am IST)