Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

AIIMSના ડોકટર્સે કર્યો દાવો

હવે સાવરણીથી પણ ફેલાઇ શકે છે કોરોનાઃ વેકયુમ કલીનરનો ઉપયોગ કરવા કહ્યું

સાર્વજનિક સ્થળોએ કચરો વાળવાથી ફેલાય છે કોરોના સંક્રમણ : કચરો વાળતાં આ રીતે થાય છે નુકશાન

નવી દિલ્હી,તા.૨૨:કોરોના સંક્રમણના ફેલાવવાની રીતોને લઈને અનેક તથ્યો અને દાવાઓ સામે આવી રહ્યા છે. AIIMSના એક ડોકટરનું કહેવું છે કે સાર્વજનિક સ્થાનો પર કચરો વાળવાથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે. આ માટે આ સ્થાનોએ કચરાની સફાઈ માટે વેકયૂમ કલીનરનો ઉપયોગ કરવો જોઈએ.

AIIMSમાં સર્જરી વિભાગના અધ્યક્ષ ડોકટર અનુરાગ શ્રીવાસ્તવ કહે છે કે સાવરણીના ઉપયોગ અને ખુલ્લામાં કચરો રાખવાથી પણ કોરોના સંક્રમણ વધે છે. આ વાયરસ કોઈ પણ જગ્યાએ ૩થી ૫ દિવસ સુધી રહે છે. સંક્રમિત છીંક ખાય કે ખાંસી ખાય તો પણ તેના શરીરથી નીકળતા વિષાણુના કણ આસપાસની જગ્યાએ ફેલાય છે.

સાર્વજનિક સ્થાનોએ કચરો વાળતી સમયે આ કણ ધૂળ માટીમાં ફેલાય છે. આ સમયે કોઈ વ્યકિત અહીંથી પસાર થાય છે તો અહીં વાયરસ શ્વાસની મદદથી વ્યકિતના શરીરમાં પ્રવેશ કરે છે. તેનાથી વાયરસને ફેલાવવામાં મદદ મળે છે. ડોકટરે અપીલ કરી છે કે ૨ ઓકટોબરે સાવરણા કે સાવરણીને બદલે સ્વચ્છતા અભિયાનમાં વેકયૂમ કલીનરનો ઉપયોગ કરવામાં આવે.

ડોકટર્સના જણાવ્યા અનુસાર લોકો કોરોના સાથે જોડાયેલા કચરા, માસ્ક, ગ્લવ્ઝ, પીપીઈ કિટને ખુલ્લામાં ન નાંખે. આ કચરો એક બેગમામં બંધ કરીને ૩ દિવસ રહેવા દો. આ પછી તેને યોગ્ય સ્થાને નાંખો. આમ કરવાથી કચરો એકત્રિત કરનારાને પણ સંક્રમણ લાગશે નહીં.

(11:39 am IST)