Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

૨૦૧૯માં મોદી સરકાર બન્યા બાદ દિલ્હીમાં તોફાનોનું ષડયંત્ર ઘડાયુ'તું

દિલ્હી રમખાણો અંગેની ચાર્જશીટ સનસનાટી મચાવે છે : હિંસા પાછળનો ઇરાદો હતો કે કેન્દ્ર સરકાર સીએએ અને એનઆરસીનો ગોટો વાળી દયે

નવી દિલ્હી તા. ૨૨ : દિલ્હીમાં થયેલા દંગા અંગે દિલ્હી પોલીસે જે ચાર્જશીટ ફાઇલ કરી છે તેમાં કહેવામાં આવ્યું છે કે ૨૦૧૯માં મોદી સરકાર નિર્માણ થયા બાદથી જ હિંસાનું કાવતરૂ રચવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસની સ્પેશયલ સેલે ૨,૬૯૫ પાનાના ફાઇનલ રીપોર્ટના આધાર પર ૧૫ લોકો વિરૂધ્ધ યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર ફેબ્રુઆરી મહીનામાં નોર્થ ઇસ્ટ દિલ્હીમાં રમખાણોનું ષડયંત્ર રચવાનો આરોપ છે.

આ ચાર્જશીટમાં આપના પૂર્વ કાઉન્સીલર તાહિર હુસૈન, પિંજરા તોડના દેવાંગના કલિતા અને નતાશા નરવાલ, દિલ્હી વિશ્વ વિદ્યાલયના ભૂતપૂર્વ વિશ્વ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી ગુલફિશા, જામિયા મિલિયા ઇસ્લામિયાના પીએડી વિદ્યાર્થી મિશર હૈદર અને જામિયાને કો-ઓર્ડીનેશન કમિટિના મીડિયા કો-ઓર્ડીનેટર સફુરાના પણ નામ સામેલ છે.

દિલ્હી પોલીસના ફાઇનલ રીપોર્ટ પર ડીસીપી પીએસ કુશવાહા અને એસીપી આલોકકુમારના હસ્તાક્ષર છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદીઓની જેમ હિંસાનો ઉપયોગ કરીને તે લોકો સરકારને ઘુંટણે લાવીને તેમની માંગ મનાવવા ઇચ્છે છે.

આ રીપોર્ટમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે, ફાયર આર્મ્સ અને પેટ્રોલ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો. જેના કારણે એક પોલીસ અધિકારીનું મોત થયું છે. આ ઉપરાંત અનેક પોલીસકર્મીને પણ ઇજા થઇ. આ હિંસા પાછળનો હેતુ હતો કે કેન્દ્ર સરકાર પર દબાણ કરવામાં આવે. જેથી તે સીએએ - એનઆરસીને હટાવી લે. પ્રદર્શન કારીઓના આ જ એકટએ દિલ્હી પોલીસને તેમના રિપોર્ટમાં આતંકી ગતિવિધિઓ કહી છે.

આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે, ૫૦ના મોત, ૫૦૦થી વધુ લોકોને ઇજા પહોંચાડવા, સાર્વજનિક અને પ્રાઇવેટ સંપત્તિઓને મોટા પાયે નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા અને આવી ગતિવિધિઓ સ્પષ્ટ રીતે જણાવે છે કે, આ કોઇ ત્રાસવાદી ગતિવિધિ સમાન જ હતું.

ઉલ્લેખનીય છે કે, તેમની ચાર્જશીટમાં દિલ્હી પોલીસે અનેક કોલ ડિટેઇલ અને કેટલાક એવા વોટ્સએપ ગ્રુપ વિશેમાં ઉલ્લેખ કર્યો છે જે આ રમખાણ પાછળ રોલ નિભાવી રહ્યા છે.

(11:36 am IST)