Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

સરકાર-વિપક્ષોએ બાંયો ચડાવી

કૃષિ બાદ હવે વધુ ૩ બિલ હંગામો કરાવશે

નવી દિલ્હી તા. રર :.. લોકસભા અને રાજયસભામાં કૃષિ સુધાર બિલને પસાર કરવાનો જોરદાર વિરોધ કરનારા વિપક્ષો હવે સંસદમાં આવનાર શ્રમ સુધાર કાયદાનો વિરોધ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમાંથી એક ઔદ્યોગીક સંબંધ સંહિતામાં એક જોગવાઇ જે ૩૦૦ કર્મચારીઓ ધરાવતી કંપનીને સંબંધિત રાજય સરકારની મંજૂરી વગર લોકોની છટણી કરવાની પરવાનગી આપે છે તે છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન કાયદા હેઠળ ૧૦૦ લોકોને રોજગાર આપતી કંપનીઓને જ આ સુવિધા મળે છે.

કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે શનિવારે લોકસભામાં સામાજીક સુરક્ષા, ઔદ્યોગિક સંબંધો અને વ્યવસાયિક અને સ્વાસ્થ્ય  સુરક્ષા પર ત્રણ લેબર કોડ રજૂ કર્યા છે. ચોથો કોડ મજૂરી પર છે, જેને સંસદ દ્વારા પહેલા જ પસાર કરી દેવાયો છે. લાંબા સમયથી અટવાયેલ શ્રમ સુધાર બિલ જૂન શ્રમ કાયદાઓને કોડમાં બદલી દેશે. સરકારનો દાવો છે કે ત્રણે કોડ માટે સ્થાયી સમિતિની ર૩૩ ભલામણોમાંથી ૧૭૪ ને સામેલ કરવામાં આવી છે. વિપક્ષોએ નવા બિલની માગણી કરી હતી.

ઔદ્યોગિક સંબંધ સંહિતા વિધેયક ર૦૧૯, વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્ય સ્થિતી કોડ ર૦ર૦ તથા સામાજીક સુરક્ષા કોડ ર૦ર૦ પર આગામી કેટલાક દિવસો ચર્ચા થશે, જે વિપક્ષો અને સરકાર  વચ્ચે નવેસરથી ટકકરની પરિસ્થિતી ઉભી કરવાની છે. કોંગ્રેસના નેતા શશિ થરૂર અને મનિષ તિવારી તથા ડાબેરી નેતાઓ પહેલાથી જ શ્રમ સુધારાના વિરોધી છે.

મનિષ તિવારી ઇચ્છે છે કે નવો કોડ એક મહિના માટે જાહેર ડોમેનમાં રાખવામાં આવે કેમ કે તેમાં ઘણાં ફેરફારો કરાયા છે. થરૂરે માગણી કરી છે કે સરકાર સ્થાયી સમિતિની બધી ભલામણોનો સ્વીકાર કરે. તેમણે પ્રધાનને સવાલ કર્યો હતો કે આ બિલને અદાલતમાં બંધારણીય પડકારોનો સામનો કરવો પડશે. શું તમે ફરીથી ન્યાયીક તપાસ ઇચ્છો છો ?

(11:35 am IST)