Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

વિશ્વમાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા ૩.૧૪ કરોડને પાર

ફ્રાંસમાં કોરોનાની બીજી લહેર : ૨૪ કલાકમાં ૧૦,૫૬૯ નવા કેસ નોંધાયા

વોશિંગ્ટન તા. ૨૨ : વિશ્વમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૩.૧૪ કરોડને પાર પહોંચી છે. બીજી બાજુ મૃત્યુઆંક ૯.૬૯ લાખથી વધુનો થયો છે. આ બધાની વચ્ચે ફ્રાંસમાં સંક્રમણની બીજી લહેરના લીધે સરકાર અને તેની એજન્સીઓ પર દબાણ વધી રહ્યું છે. દેશમાં છેલ્લા એક દિવસમાં ૧૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ફ્રાંસના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦,૫૬૯ નવા કેસ સામે આવ્યા. જ્યારે શનિ-રવિ આ સંખ્યા ૧૩,૪૯૮ રહી.

દેશમાં અત્યાર સુધીમાં કુલ ૩૧,૫૮૫ લોકોના મોત થઇ ચૂકયા છે. બીજી બાજુ બ્રિટનમાં પણ સ્થિતિ અત્યંત સંવેદનશીલ થઇ ગઇ છે ત્યાં પણ સંક્રમણની બીજી લહેર થવાના લીધે સ્વાસ્થ્ય એજન્સીઓ પર દબાણ છે. જ્યારે અનેક સ્થળે સરકારી દિશા-નિર્દેશોનો ઉલાળ્યો સ્પષ્ટ રીતે દેખાય છે. વડાપ્રધાન બોરિસ જોનસને કહ્યું કે, ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરવામાં આવે.

નેપાળમાં લોકડાઉનના કારણે બંધ ઘરેલું ઉડાન સેવા સોમવારથી શરૂ થઇ છે. નેપાળ સરકારે ૧૪ સપ્ટેમ્બરે મંત્રી પરીષદની બેઠક બાદ અંદાજે છ મહિનાથી બંધ ઘરેલું ઉડાન સેવાને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

પાકિસ્તાનમાં કોરોનાથી અત્યાર સુધીમાં ૩,૦૬,૩૦૪ લોકો સંક્રમિત થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં સંક્રમણના ૬૩૩ નવા કેસ નોંધાયા છે તેમજ મૃત્યુઆંક ૬૪૨૦ પર પહોંચ્યો છે.

(11:34 am IST)