Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

SBIએ હોમ-રિટેલ લોન ગ્રાહકોને ચૂકવણીમાં આપી ૨ વર્ષ સુધીની રાહત

HDFC - ICICI પણ ટુંક સમયમાં આપશે રાહત : હોમ લોન અથવા અન્ય લોનને રિસ્ટ્રકચર કે મોરાટોરિયમ પીરિયડથી એકંદરે તો લોન લેનાર વ્યકિતને વધુ વ્યાજ ભરવું પડશે

મુંબઈ તા. ૨૨ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કોરોના કાળ વચ્ચે ગ્રાહકોની આર્થિક સ્થિતિનો ખ્યાલ કરતા ખૂબ જ મોટો નિર્ણય કરતા પોતાના હોમ લોન અને રિટેલ લોનના ગ્રાહકોને મોટી રાહત આપતા આગામી ૨ વર્ષ સુધી મોરાટોરિયમ અથવા તો આટલા જ સમયગાળા માટે લોન રિપેમેન્ટને રિશિડ્યુલ કરવા માટેની સુવિધા આપવાનું નક્કી કર્યું છે.

દેશમાં લોન આપવામાં PSU બેંકમાં અગ્રણી એવી એસબીઆઈએ સોમવારે લોન ગ્રાહકોને વધુ રાહત આપવાની જાહેરાત કરતા કહ્યું કે જો ગ્રાહક ઈચ્છે તો પોતાનો મોરાટોરિયમ પીરિયડ આગામી ૨ વર્ષ સુધી લંબાવી શકે છે.

આરબીઆઈના વન ટાઇમ રીલિફ નિર્ણયની સાથે જતા બેંકે જાહેર કર્યું કે જે ગ્રાહકોએ ૧ માર્ચ ૨૦૨૦ પહેલા લોન લીધી છે અને કોવિડ ૧૯ લોકડાઉન પહેલા તેઓ નિયમિતરુપે લોનના હપ્તાની ચૂકવણી કરતા હતા તેવા ગ્રાહકો આ નવી યોજનાનો લાભ લઈ શકે છે.

પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે લોન લેનાર ગ્રાહકે એ દર્શાવવું પડશે કે તેમની આવકને કોવિડ ૧૯ના કારણે નુકસાન પહોંચ્યું છે. આ યોજનાની જાહેરાત કરતા એસબીઆઈના મેનેજિંગ ડિરેકટર સી.એસ. શેટ્ટીએ કહ્યું કે 'આ યોજનામાં લોન રિસ્ટ્રકચરિંગ મામલે બેંક સંપૂર્ણપણે તેના ગ્રાહકોના એસેસમેન્ટ પર નિર્ભર કરે છે કે તેઓ કયારે ફરી નોર્મલ ઇન્કમ મેળવવા અથવા તો નોકરી મેળવવા માટે સમર્થ થશે.'

દેશની ટોચની બેંક દ્વારા કોવિડ ૧૯થી જેમની આવક બાધિત થઈ છે તેવા ગ્રાહકો માટે લોન રિસ્ટ્રકચરિંગ અંગે પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા બાદ પ્રાઈવેટ સેકટરની મોટી બેંકો HDFC અને ICICI પણ આ મહિનાના અંત સુધીમાં આ પ્રકારના પગલાની જાહેરાત કરી શકે છે.

ગ્રાહકોની સુવિધા અને તેઓ લોન રિસ્ટ્રકચરિંગ માટે પાત્રતા ધરાવે છે કે નહીં તે ચેક કરવા માટે SBIએ એક નવું ઓનલાઈન પોર્ટલ લોંચ કર્યું છે. જેમાં ગ્રાહકો તમામ રિટેલ લોન જેવી કે હોમ લોન, એજયુકેશન લોન, ઓટો લોન અને પર્સનલ લોન અંગે ચેક કરી શકે છે.

લોન રિસ્ટ્રકચરિંગ કરવાથી કોવિડ ૧૯ને કારણે આર્થિક મુશ્કેલીમાં આવેલા લોન લેનારા ગ્રાહકોની આવક ફરી પહેલા જેવી થાય અથવા તેમને ફરી નોકરી મળે ત્યાં સુધી નિરાંતનો શ્વાસ મેળવી શકશે. આ ઉપરાંત તેમને ડિફોલ્ટર અથવા તો નોન પરફોર્મિંગ એસેટ તરીકે નહીં ગણવામાં આવે. જોકે આ સુવિધાની નકારાત્મક બાજુ એ છે કે ગ્રહકોને ૩૫ બેઝિઝ પોઇન્ટ વધારે વ્યાજ ચૂકવવું પડશે. કારણ કે RBIએ આ પ્રકારની લોન માટે અલગથી વિશેષ જોગવાઈ કરવાની જરૂર છે. જેનો અર્થ છે લોન લેનાર ગ્રાહક ચુકવણીના સમયગાળામાં શરૂઆતની રાહત બાદ અંતે નિયમિત લોનને રિસ્ટ્રકચરિંગ કરાવ્યા વગર પણ સામાન્ય કરતા વધારે રુપિયા ચુકવશે.

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના એમડી અને સીઈઓ રાજકિરણ રાયે કહ્યું કે 'અમે ગ્રાહકો માટે લોન રિસ્ટ્રકચરિંગની યોજના બનાવી છે અને અમારા ઇન્ટરનલ પોર્ટલ પર તેને મૂકવામાં આવી છે. તેમજ અમે લોન લેનારા ગ્રાહકોને આ બાબતે જાણ કરી છે પરંતુ અમારી પાસે લોન રિસ્ટ્રકચરિંગ અંગે આવતી ઇન્કવાયરીને જોતા અમને નથી લાગતું કે આ યોજનામાં વધુ લોકો ભાગ લે.'

એચડીએફસી બેંક દ્વારા આ માટે ઓનલાઈન એપ્લિકેશન સબમિટ કરવાની વ્યવસ્થા રાખવામાં આવી છે. બેંકે કહ્યું કે તેઓ જે લોનને રિસ્ટ્રકચર્ડ કરશે તેવા ગ્રાહકની તમામ લોનને ક્રિડટ બ્યુરોમાં રિસ્ટ્રકચર્ડ તરીકે ગણાવવામાં આવશે. પછી ભલે તે ગ્રાહકે પોતાની એક જ લોનને રિસ્ટ્રકચર્ડ કરી હોય.

(10:28 am IST)