Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

છ પરિબળો વચ્ચે દલાલ સ્ટ્રીટમાં જોરદાર તેજી રહેવાના સ્પષ્ટ સંકેત

કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાની તીવ્ર અસર હજુ પણ જોવા મળશે : શેરબારમાં મોદીની અમેરિકા યાત્રા, બેંક લોન ગ્રોથના ડેટા, એફએન્ડઓની પૂર્ણાહૂતિ સહિતના જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળશે : અહેવાલ

મુંબઈ, તા. ૨૨ : કોર્પોરેટ ટેક્સ રેટમાં શુક્રવારના દિવસે જોરદાર ઘટાડો કરવામાં આવ્યા બાદ શેરબજારમાં તેજીનો માહોલ રહ્યા પછી હવે આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં જોરદાર તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. શુક્રવારના દિવસે શેરબજારમાં અભૂતપૂર્વ ઉછાળો રહ્યો હતો અને છેલ્લા એક ૧૦ના ગાળામાં એક દિવસમાં સૌથી મોટો ઉછાળો ૧૯૨૧ પોઇન્ટનો સેંસેક્સમાં રહ્યો હતો. હવે આવતીકાલથી શરૂ થતાં નવા સત્રમાં સરકારના પગલાની અસર જોવા મળી શકે છે. આવતીકાલે વધુ એક મોટો ઉછાળો આવી શકે છે. કોર્પોરેટ ટેક્સ રેટમાં ઘટાડા બાદ બેંચમાર્ક ઇન્ડેક્સ પાંચ ટકાથી પણ વધુ ઉછળ્યા હતા. બીએસઈમાં રોકાણકારોની સંપત્તિમાં સાત લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. શુક્રવારે રેકોર્ડ ઉછાળો નોંધાયો હોવા છતાં સાપ્તાહિક આધાર પર ઉછાળો મર્યાદિત રહ્યો હતો. કારણ કે, બ્રેન્ટ ક્રુડની કિંમત સોમવારના દિવસે ઇન્ટ્રાડે દરમિયાન ૨૦ ટકાથી વધુ વધી ગઈ હતી જેની માઠી અસર શેરબજાર ઉપર જોવા મળી રહી છે. સાપ્તાહિક આધાર પર સેંસેક્સમાં ૬૨૯ પોઇન્ટનો ઉછાળો રહ્યો છે જેથી તેની સપાટી ૩૮૦૧૪ રહી છે.

                  આવી જ રીતે નિફ્ટી ૧૯૯ પોઇન્ટ ઉછળીને ૧૧૨૭૪ની સપાટીએ રહ્યો છે. આગામી સપ્તાહથી કારોબારીઓ ટેક્સ રેટમાં કાપને ધ્યાનમાં લઇને કારોબાર કરી શકે છે જેથી તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. મોટાભાગના નિષ્ણાતો આવો અભિપ્રાય આપી રહ્યા છે. આવતીકાલથી શરૂ થતાં નવા સત્રમાં દલાલસ્ટ્રીટને તેજી તરફ લઇ જનાર છ પરિબળોમાં એફએન્ડઓની પૂર્ણાહૂતિ, એફઆઈઆઈ પ્રવાહ, મોદીની અમેરિકા યાત્રા, બેંક લોન ગ્રોથ ડેટાનો સમાવેશ થાય છે. બજાર ઉપર સૌથી સારી અસર મોદીની અમેરિકાની યાત્રાથી થનાર છે જેમાં મોદી અમેરિકામાં હાઉડી મોદી નામના મોટા ઇવેન્ટ યોજી ચુક્યા છે. આ કાર્યક્રમના ભાગરુપે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત થઇ રહી છે. મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાતચીત ઉપર તમામની નજર રહેલી છે. આની અસર બજારમાં ચોક્કસપણે હકારાત્મકરીતે જોવા મળનાર છે.

                     રોકાણકારો બેંકલોન ગ્રોથના ડેટાને લઇને ઉત્સુક છે. આ ડેટા ૨૭મી સપ્ટેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતમાં લોનમાં ૧૦.૨ ટકાનો વધારો ઓગસ્ટ મહિનામાં નોંધાયો છે. અગાઉના વર્ષની સરખામણીમાં આ વધારો ઉલ્લેખનીયરીતે રહ્યો છે. વૈશ્વિક મોરચા પર કેટલાક પરિબળોની અસર રહેનાર છે જેમાં ચીજવસ્તુઓમાં આંતરરાષ્ટ્રીય કારોબાર, બેરોજગારીના દાવા, ક્રૂડની વધતી કિંમતોનો સમાવેશ થાય છે. યુરોપના ઘટનાક્રમ ઉપર પણ શેરબજારની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. એલકેપી સિક્યુરિટીઝના રિસર્ચ વડા રંગનાથનના કહેવા મુજબ ટેક્સ રેટમાં ઘટાડાથી વપરાશમાં ઉલ્લેખનીયરીતે વધારો થશે. બજાર ઉપર આની સારી અસર જોવા મળશે.

(8:01 pm IST)