Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

અલકાયદાના આતંકવાદી કલીમુદ્દીનની ધરપકડ થઇ

મદરેસામાં રહીને પ્લાન બનાવી રહ્યો હતો : રિપોર્ટ : કેટલીક ચોંકાવનારી વિગતો ખુલશે : જેહાદના નામ ઉપર યુવાનોની ભરતી કરી રહ્યો હતો : સમગ્ર મામલામાં તપાસ

જમશેદપુર,તા.૨૨ : ઝારખંડના જમશેદપુરથી અલકાયદાના ત્રાસવાદી કલીમુદ્દીન મુઝાહિરીની ધરપકડ કરી લેવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી તે સુરક્ષા દળોને થાપ આપીને સક્રિય થયેલો હતો. તે અનેક પ્રકારની આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. સાથે સાથે વોન્ટેડ પણ હતો. ત્રણ વર્ષથી ફરાર ચાલી રહ્યો હતો. પોલીસ અધિકારી એડીજી મિણાએ કહ્યું છે કે, કલીમુદ્દીન અલકાયદાનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે તેને તાતાનગર રેલવે સ્ટેશનથી પકડી લેવામાં આવ્યો છે. તે નવા નવા ભરતી કરવામાં આવેલા યુવકોને ટ્રેનિંગ આપવા માટે પાકિસ્તાન મોકલી રહ્યો હતો. પોલીસ અધિકારીઓના કહેવા મુજબ કલીમુદ્દીન જમશેદપુરનો નિવાસી હતો. જમશેદપુરમાં તેની સામે ઇન્ડિયન પીનલ કોડની જુદી જુદી કલમો હેઠળ અનેક કેસો નોંધાયેલા છે.

               પોલીસ અધિકારીઓના કહેવા મુજબ તેના સાથી મોહમ્મદ અબ્દુલ રહેમાનઅલી ઉર્ફે હૈદર ઉર્ફે કટકી, અબ્દુલ સામી ઉર્ફ ઉજ્જન ઉર્ફ હસન પહેલાથી જ ઝડપાઈ ચુક્યા છે જે હાલમાં દિલ્હીની તિહાર જેલમાં છે. કલીમુદ્દીનની ધરપકડ કરીને પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી લીધી છે. કલીમુદ્દીન યુવાનોની ભરતી કરવા માટે જુદા જુદા રાજ્યોમાં પહોંચી રહ્યો હતો જેમાં ઉત્તરપ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળની સાથે સાથે અન્ય રાજ્યનો પણ સમાવેશ થાય છે. તે બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, સાઉદી અરેબિયા અને દેશોમાં જઇ ચુક્યો છે. બાંગ્લાદેશમાં પણ તેના ઘણા મિત્રો વર્ષોથી સક્રિય રહી ચુક્યા છે. પોલીસે ચોંકાવનારી વિગતો આપતા કહ્યું છે કે, કલીમુદ્દીન મદરેસામાં રહીને ત્રાસવાદી ગતિવિધિને અંજામ આપી રહ્યો હતો. તેની પાસેથી અનેક ચોંકાવનારી વિગત હજુ પણ મળી શકે છે. અકસ્માતોને લઇને પણ તેની પાસે માહિતી રહેલી છે. ત્રાસવાદી ગતિવિધિ અંગે પણ તેની પાસે માહિતી હોવાનું ખુલી ચુક્યું છે.

(8:06 pm IST)