Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

મહારાષ્‍ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપ-શિવસેનાનું ગઠબંધન થશે : શિવસેનાની મોટી જાહેરાત

નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ. આ ચૂંટણીનું બ્યુગલ ફૂંકાતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. શિવસેનાએ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ કહ્યું કે ભાજપ (BJP) સાથે તેમનું ગઠબંધન ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

નોંધનીય છે કે ચૂંટણી પંચે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી. મહારાષ્ટ્ર, હરિયાણામાં વિધાનસભા ચૂંટણી 21 ઓક્ટોબરે રહેશે જ્યારે મતગણતરી 24 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી.

288 વિધાનસભા બેઠકોવાળા મહારાષ્ટ્રમાં અને 90 બેઠકોવાળા હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થતા જ બંને રાજ્યોમાં આજથી આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. હવે બંને રાજ્યોમાં કોઈ નવી જાહેરાતો  કરી શકાશે નહીં. મહારાષ્ટ્રમાં 8.9 કરોડ મતદારો અને હરિયાણામાં 1 કરોડ 28 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

(11:26 am IST)