Gujarati News

Gujarati News

News of Sunday, 22nd September 2019

આયુષ્યમાન ભારત દિવસની ૨૩મીએ ભવ્ય ઉજવણી થશે

પીએમ-જયના સફળ એક વર્ષ નિમિત્તે ઉજવણી : ૧૦૪ હેલ્થ હેલ્પ લાઈન, વિવિધ ઇ-લોકાર્પણ, નિમણૂંક પત્રો એનાયત, ૧૦૮ ખિલખિલાટ વાનનું લોકાર્પણ કરાશે

રોબર્ટગંજ, તા. ૨૧ : કેન્દ્ર સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત ભારતની સૌથી મોટી આરોગ્યલક્ષી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- પીએમ-જયના સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ નિમિત્તે તા.૨૩ સપ્ટેમ્બર૨૦૧૯, સોમવારના રોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને આયુષ્યમાન ભારત દિવસની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી સમારોહમાં નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોમ્યુનીટી હેલ્થ ઓફિસરોને નિમણૂક પત્ર એનાયત, વિવિધ સંસ્થાઓનું સન્માન, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતેના ટ્રોમા સેન્ટરના થીયેટરોનું ઇ-તકતીથી લોકાર્પણ, ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન અને તે અંતર્ગત સ્યુસાઇડ પ્રિવેન્શન'ની હેલ્પલાઇન અને લોગોનું અનાવરણ, સ્યુ સાઇડ પ્રિવેન્શન' હેલ્થલાઇન પુસ્તકનું વિમોચન, માયનું લોકાર્પણ, લક્ષ્ય કાર્યક્રમ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પી.કે.જનરલ હોસ્પિટલ-રાજકોટ તેમજ બારડોલી હોસ્પિટલને એવોર્ડ,૧૦૮ એમ્બ્યુલન્સ અને ખિલ ખિલાટ વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન પણ કરાવવામાં આવશે. જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ઓડીટોરીયમ, ગાંધીનગર ખાતે સવારે ૧૦.૩૦ કલાકે યોજાનાર આ સમારોહમાં અતિથિવિશેષ તરીકે આરોગ્ય રાજ્ય મંત્રી કિશોર કાનાણી(કુમાર), ગાંધીનગર-દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર, ગાંધીનગર-ઉત્તરના ધારાસભ્ય સીજે ચાવડા સહિત રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા તબીબી મહાનુભાવો, સંસ્થાઓ અને આરોગ્ય કર્મીઓ ઉપસ્થિત રહેશે તેમ, આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.

(12:00 am IST)