Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

મધ્યપ્રદેશમાં સવર્ણોએ સિંધીયા સામે કાળાવાવટા ફરકાવ્યાઃ કોંગ્રેસ કાર્યકરો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી

આ સરકાર કોઇનું સાંભળતી જ નથીઃ જયોતિરાદિત્ય સિંધીયા

ભોપાલ : મધ્ય પ્રદેશમાં એસસી/એસટી એકમાં સુધારાનો વિરોધ ચાલુ જ છે. અને સતત વધી રહયો છે. શુક્રવારે શિવપુરીમાં કરણી સેના અને સમાકસના હોદેદારોએ કોંગ્રેસી સાંસદ અને ભુતપુર્વ કેન્દ્રિય પ્રધાન જયોતિરાદિત્ય સિંધીયાને કાળા વાવટા દેખાડીને એટ્રોસીટી એકટનો વિરોધ કર્યો. સિંધીયા માનસભવનમાં આયોજીત એક કાર્યક્રમમાં ભાગ લીધા પછી જયારે પાછા જઇ રહયા હતા ત્યારે કરણીસેના અને બીજા સવર્ણોએ કાળા વાવટા ફરકાવ્યા હતા.

આ પહેલા સવર્ણ સમાજ અને સપાકસ સમર્થક હોેદેદારોએ સિંધીયાનો ઘેરાવ કરીને એક આવેદન પત્ર આપ્યું હતું. આ વખતે સપાકસ કાર્યકરો સાથે વાતચીતમાં સિંધીયાએ વિશ્વાસ આપ્યો હતો કે તે કોઇ પણ વર્ગ કે જાતિની વ્યકિતને અન્યાય નહીં થવા દે.

સંસદસભ્ય સિંધીયાએ કેન્દ્રની મોદી સરકાર અને રાજયની શિવરાજ સરકાર પર નિશાન તાકતા કહયું કે આ સરકાર કોઇનું સાંભળતી જ નથી. આ સરકારે પ્રજાને વચનો આપ્યા છે તે પુરા નથી કર્યા . આ ઉપરાંત સત્તા પર જે લોકો બેઠા છે તેમની નીતિજ સમજાતી નથી.

જયારે સપાકસના નેતાઓએ સિંધીયાને પુછયું કે તમે સરકારમાં હોત તો એટ્રોસીટી એકટ બાબતે કેવું વલણ રાખત તેના જવાબમાં સિંંધીયાએ કહયું '' પહેલા અમને સત્તામાં લાવો પછી તેનો જવાબ આપીશ.''

સિંધીયા આવેદનપત્ર લીધા પછી ત્યાંથી નીકળી ગયા હતા. જયારે બીજી બાજુ કોલારસમાં પણ સપાકસ સાથે જોડાયેલા નેતાઓ એન હોદેદારોએ સિંધીયાને કાળા વાવટા બતાવ્યા હતા. (૧.૧૪)

 

(3:25 pm IST)