Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સંઘનું વધુ એક મહાઆયોજન : PM મોદી કરશે સંબોધન

૨૯ સપ્ટેમ્બરના દેશની ટોચની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની કોન્કલેવમાં વડાપ્રધાન હાજર રહેશે

નવી દિલ્હી તા. ૨૨ : દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના મહત્વપૂર્ણ સંબોધન બાદ થોડા દિવસોના અંતરમાં જ સંઘ સાથે સંકળાયેલી એક શિક્ષણ સંસ્થા શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ સાથે મોટા કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલય, રાષ્ટ્રીય શિક્ષા નિયામક વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ સહિત AICTE અને JNU પણ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નાગપુર સ્થિત રિસર્ચ ફોર રીસર્જન્સ ફાઉન્ડેશન દ્વારા વિજ્ઞાન ભવનમાં ૨૯ સપ્ટેમ્બરના આયોજિત કોન્કલેવને સંબોધિત કરશે. ફાઉન્ડેશનના સંયોજક રાજેશ બિનીવાલેએ જણાવ્યું હતું કે ૩૦૦થી વધુ શિક્ષણવિદો અને અન્ય અગ્રણી હસ્તિઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી આશા છે. ઉલ્લેખનીય છે કે આરએસએસ સંલગ્ન ભારતીય શિક્ષણ મંડળે આ ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૧૭માં કરી હતી. 

પ્રકાશ જાવડેકરના મંત્રાલયે તમામ IITs, IIMs, NITs IISERs અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના પ્રમુખોને આ એક દિવસીય કોન્ફરન્સમાં આમંત્રણ આપ્યું છે. આગામી સપ્તાહે યોજાનાર 'કોન્ફરન્સ ઓફ એકેડમિક લીડરશિપ ઓન એજયુકેશન ફોર રીસર્જન્સ' માટે IGNCA, ઈન્ડિયન કાઉન્સિલ ફોર સોશ્યલ સાઈન્સ એન્ડ રિસર્ચ અને ઈગ્નુ પણ સહયોગ કરશે.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વધુ સુચારો તાલમેલ સાથે કામ કરવા પર ભાર આપવાનો છે જેનાથી રાષ્ટ્ર નિર્માણ માટે મિશન મોડમાં કામ થઈ શકે. આ સાથે જ ઈનોવેટિવ વિચારોનું આદાન પ્રદાન પણ થઈ શકે અને રાષ્ટ્રીય જરૂરિયાતોના સમાધાન માટે તત્પર રહે. કોન્ફરન્સનું સમાપન શીખવા માટેના રોડમેપ સાથે થશે. જેમાં રાષ્ટ્રીય એકતાની ભાવના પર ભાર મૂકવાને મહત્વ અપાશે. 

HRD મંત્રીના નિવેદન મુજબ કોન્ફરન્સના એજન્ડામાં ફંડિંગ અને આર્થિક મદદ માટે સરકાર પર વધુ નિર્ભરતાને ઘટાડીને સંશાધનો માટે સામાજિક યોગદાન અને એલ્યુમિનાઈ સહયોગ દ્વારા વચ્ચેનો માર્ગ કાઢવાનું સુચન પણ કરાયું હતું.

(3:23 pm IST)