Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

વિવાદિત રાફેલ ડીલ

ઓલાન્દેને ફ્રાન્સ સરકારનો ઝાટકો : પાર્ટનરની પસંદગી ડેસોલ્ટે જ કરી ભારત સરકારે નહીં

પેરિસ તા. ૨૨ : રાફેલ યુદ્ઘ વિમાન ડીલને લઈને હવે ફ્રાંસમાં બરાબરનું ઘમાસાણ જામ્યું છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાન્દે દ્વારા કરવામાં આવેલા સનસનાટીભર્યા ખુલાસાએ દેશમાં રાજકીય મોરચે ખળભળાટ મચાવ્યો હતો. જોકે ફ્રાંસની વર્તમાન સરકારે ફ્રાન્કોઇસ ઓલાન્દેના આ દાવાને ફગાવી દીધો હતો. ફ્રાંસ સરકારે કહ્યું છે કે, ભારતીય ઔદ્યોગિક પાર્ટનરની પસંદગી કરવામાં તેમની કોઈ જ પ્રકારની ભૂમિકા રહી નથી.

સાથે જ ફ્રાંસ સરકારે ભારપૂર્વક કહ્યું છે કે, ફ્રેંચ કંપનીને કોન્ટ્રાકટ માટે ભારતીય કંપનીઓની પસંદગી કરવાની સંપૂર્ણ આઝાદી હતી. ડેસોલ્ટ એવિએશને સૌથી શાનદાર વિકલ્પ પસંદ કર્યો છે. આ રીતે ફ્રાંસ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ ડીલમાં પાર્ટનરની પસંદગી કરવાનું કામ ડેસોલ્ટે જ કર્યું હતું ભારત સરકારે નહીં.

ફ્રાંસ સરકારનું આ મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ એ અહેવાલ બાદ આવ્યું છે જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાન્દેએ કહ્યું હતું કે, ૫૮,૦૦૦ કરોડ રૂપિયાની રાફેલ ડીલમાં ડેસોલ્ટ એવિએશનના પાર્ટનર માતે રિલાયંસ ફિફેંસનું નામ ભારત સરકારે જ આપ્યું હતું અને ડેસોલ્ટ એવિએશન કંપની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

ફ્રાન્કોઇસ ઓલાન્દેના નિવેદનના થોડા જ કલાકોમાં ફ્રાંસ સરકારે આ મામલે સ્પષ્ટતા કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતીય અધિગ્રહણની પ્રક્રિયાને અંતર્ગત જ ફ્રેંચ કંપની પાસે ભારતીય ભાગીદારી કંપનીને પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે કે જેને તે સૌથી વધારે પ્રાસંગિક ગણે છે. ત્યારથી લઈને તે ભારત સરકાર પાસે ઓફસેટ પ્રોજેકટાની મંજૂરી માટે પ્રસ્તાવિત કરે છે જેને ભારતમાં સ્થાનીય પાર્ટનર સાથે પૂર્ણ કરવામાં આવનાર છે.

બીજી બાજુ ડેસોલ્ટ એવિએશને પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તેને 'મેક ઈન ઈન્ડિયા' અંતર્ગત રિલાયંસ ડિફેંસને પોતાનો ભાગીદાર પસંદ કર્યો છે. આ ભાગીદારી ફેબ્રુઆરી ૨૦૧૭માં ડેસોલ્ટ રિલાયંસ એરોસ્પેસ લિમિટેડ જોઈંટ વેંચર અંતર્ગત તૈયાર થઈ છે. ડેસોલ્ટ અને રિલાયંસે નાગપિરમાં ફાલ્કન અને રાફેલ એરક્રાફટના મેન્યુફેકચરિંગ પાર્ટ માટે પ્લાન્ટ સ્થાપ્યો છે. ઓલાન્દે કહ્યું હતું કે ભારત સરકારે જે સર્વિસ ગ્રૂપનું નામ આપ્યું હતું તે પછી દસોલ્ટ દ્વારા અનિલ અંબાણી ગ્રૂપનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. અમને જેની સાથે વાતચીત કરવા કહ્યું તેનો અમે સ્વીકાર કર્યો હતો. આમ ઓલાન્દેનો આ ખુલાસો દસોલ્ટ અને અનિલ અંબાણી ગ્રૂપ વચ્ચેનો સોદો કોર્મિશયલ હોવાના અને તેમાં સરકારની કોઈ ભૂમિકા નહીં હોવાના દાવાને ખોટો ઠરાવે છે.(૨૧.૯)

(11:56 am IST)