Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ડ્રાઇવર માટે લઘુત્તમ રૂ. ૧૫ લાખનું વીમા કવચ

તમામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓને તાત્કાલિક અમલ કરવા ઇરડાઇનો આદેશ

નવી દિલ્હી તા. ૨૨ : વીમા નિયામક ઈરડાઈએ ઓનર-ડ્રાઈવર માટે લઘુતમ ૧૫ લાખનું વીમા કવચ કરી દીધું છે. આ માટે વાર્ષિક પ્રીમિયમ ૭૫૦ રૂપિયા રહેશે. માર્ગ અકસ્માતનો ભોગ બનતા ડ્રાઈવર માટે આ રાહતરૂપ સમાચાર છે. હાલમાં ટુ વ્હીલર અને પ્રાઈવેટ કાર/કોમર્શિયલ વ્હીકલ માટે અનુક્રમે એક લાખ રૂપિયા અને બે લાખ રૂપિયાનું વીમા કવચ છે.

ઈરડાઈ(ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)એ તમામ જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓને કમ્પલસરી પર્સનલ એકિસડેન્ટ(CPA) હેઠળ ઓછામાં ઓછા ૧૫ લાખ રૂપિયાનું કેપિટલ સમ ઈન્સ્યોર્ડ(CSI)નું કવચ આપવાનો આદેશ કર્યો છે. તમામ પ્રકારના વાહનો માટે આ લાગુ થશે. આ વાર્ષિક પોલિસી માટે ૭૫૦ રૂપિયા પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.

ઈરડાઈએ કહ્યું કે લાયેબિલિટી ઓનલી હેઠળ ઓપ્શનલ કવર(કવચ) પેટે ૧૫,૦૦,૦૦૦ રૂપિયા સીએસઆઈ આપવામાં આપવાનું રહેશે અને પેકેજ પોલિસી/બન્ડલ્ડ કવરની કલમ ૧૧૧ હેઠળ વધારે પ્રીમિયમ ચૂકવણી સાથે આ રકમ આપવાની રહેશે.

બજાજ એલિયાન્સ જનરલ ઈન્સ્યોરન્સના એમડી અને સીઈઓ તપન સિંઘલે કહ્યું હતું કે કેપિટલ સમ ઈન્સ્યોર્ડ રકમ વધારી દેવાનું આ પગલું સકારાત્મક દિશામાં લીધેલું પગલું છે. પોલિસીધારક અને તેમના પરિવારના સભ્યો માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા થઈ શકે તે માટે યોગ્ય પર્સનલ એકિસડેન્ટ કવર જરૂરી છે. અકસ્માતમાં ગંભીર ઈજા થાય તો તેવા કિસ્સામાં આ રકમ ઉપયોગી સાબિત થાય છે. જે ડ્રાઈવરે પૂરતા વીમા ઉતરાવ્યા નથી તેમને માટે આ ખૂબ જ ઉપયોગી થઈ પડશે.

ઈરડાઈએ કહ્યું છે કે આ સરકયૂલર મળે તે તારીખથી જ આ વીમા કવચ આપવાનું તેમણે શરૂ કરી દેવાનું રહેશે.(૨૧.૭)

(11:54 am IST)