Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં: અનેક રાજ્યો રહી ગયા તરસ્યા

સમગ્ર દેશમાં વરસાદની ઓવરઓલ ૧૦ ટકા ઘટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૨ ટકા જ્યારે બાકીના ગુજરાતમાં ૨૪ ટકા ઘટઃ ભરપૂર વરસાદની આશા આ વર્ષે ઠગારી નિવડીઃ દેશના પૂર્વી અને ઉત્તર પૂર્વી વિસ્તારમાં ૨૪ ટકા ઓછો વરસાદઃ હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં ૨૨ ટકાની ઘટઃ પ. રાજસ્થાનમાં ૨૪, પૂર્વી યુપીમાં ૧૩ અને પંજાબમાં ૧૬ ટકાની ઘટઃ આસામ, મેઘાલય, ઝારખંડ, બિહારમાં પણ ઓછો વરસાદ

નવી દિલ્હી, તા. ૨૨ :. ચોમાસાના વાદળો હવે વિદાય લેવાની તૈયારી કરી રહ્યા છે. એક તરફ દેશના અનેક વિસ્તારોમાં દે ધનાધન વરસાદ વરસ્યો છે તો અનેક વિસ્તારો હજુ પણ તરસ્યા છે. અત્યાર સુધી દેશમાં વરસાદની કુલ ૧૦ ટકા ઘટ રહેવા પામી છે. આ વર્ષે ચોમાસુ ૨૯મી મે ના રોજ કેરળ પહોંચી ગયુ હતુ અને લગભગ ૧૨ દિવસ સુધી તે સામાન્ય રફતારથી આગળ વધ્યુ હતુ તે પછી તેની ચાલ ધીમી પડી ગઈ હતી. લગભગ ૨ સપ્તાહ બાદ તેણે રફતાર પકડી હતી અને પછી દેશના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થયો. તે પછી ચોમાસાની રફતારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

દેશના પૂર્વી અને ઉત્તર પૂર્વી વિસ્તારમાં વરસાદમાં કુલ ૨૪ ટકાની ઘટ નોંધવામાં આવી છે. અરૂણાચલમાં સૌથી વધુ ૩૨ ટકા ઘટ થવા પામી છે. તે પછી આસામ અને મેઘાલયમાં ૨૮, ઝારખંડમાં ૨૫ અને બિહારમાં ૨૧ ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં હરીયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અત્યાર સુધી ૨૨ ટકાથી ઓછો વરસાદ પડયો છે. પશ્ચિમ રાજસ્થાનમાં ૨૪ અને પૂર્વી યુપીમાં ૧૩ તથા પંજાબમાં ૧૬ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.મધ્ય ભારતમાં પશ્ચિમ મધ્ય પ્રદેશમાં વરસાદમાં ૧૫, સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૨, બાકીના ગુજરાતમાં ૨૪ અને ઓડીસામાં ૧૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. મરાઠવાડામાં ૧૫ ટકા ઓછો વરસાદ પડયો છે તો કેરળમાં ૨૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે. લક્ષદ્વીપમાં વરસાદમાં ૪૬, ઉત્તર કર્ણાટકમાં ૨૯ અને આંધ્રના રાયલ સીમામાં ૩૫ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. ચોમાસાના વાદળો હવે દેશના ઉત્તર અને પૂર્વી વિસ્તારોથી હટી ગયા છે. વાદળો હાલ દેશના પશ્ચિમી અને ઉત્તર પૂર્વી અને દક્ષીણી ક્ષેત્રમાં છે. બાકીની જગ્યાએ હવે વરસાદની અછત ભરપાઈ થઈ શકે તેમ નથી.(૨-૫)

(12:07 pm IST)