Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

ભાજપવાળા શું બોલેલા અને શું કર્યુ? કોંગ્રેસ સ્ફોટક સાહિત્ય ભેગુ કરે છે

૨૦૧૪ના મોદીના ભાષણોનું સંકલન કરી લોકોને સંભળાવાશેઃ મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નોને આવરી લેવાયાઃ ભાજપે પહેલા વચન આપેલા, હવે જવાબ આપવાનો

રાજકોટ તા.૨૨: લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ-કોંગ્રેસે સામસામા આક્ષેપોની ધાર કાઢી છે. ૨૦૧૪ પહેલાં કેન્દ્રમાં ભાજપ વિપક્ષ તરીકે હતો અને યુ.પી.એ.ના બેનરથી કોંગ્રેસની સતા હતી. તે વખતે શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપના નેતાઓ જે બોલેલા તે બધુ સ્ફોટક સાહિત્ય કોંગ્રેસ દ્વારા એકત્ર થઇ રહયાનું જાણવા મળે છે. ઓડીયો-વિડીયો અને લૈખિત સ્વરૂપે બધુ પ્રજાની સમક્ષ મુકવાની તૈયારી થઇ રહી છે. ૨૦૧૪માં ભાજપે વિપક્ષ તરીકે શું માંગેલું ? પ્રજાને શું વચન આપેલા અને તેમાંથી કેટલા વચન પાળ્યા? તેની યાદી અપાવાશે. શ્રી મોદીએ પેટ્રોલ-ડીઝલના ભાવ, કપાસના ભાવ, બેરોજગારી, ત્રાસવાદની સમસ્યા, કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય વગેરે મુદ્દે દેશભરમાં ધુમ મચાવી હતી. ભાજપના નેતાઓએ ઇન્ટરવ્યુ, પત્રકાર પરિષદ, રેલી, સભા વગેરેમાં જે વાત કરેલ તે જ વાત તેમના જ શબ્દોમાં કોંગ્રેસ પ્રજા સમક્ષ મુકવા માંગે છે.

વડાપ્રધાને પ્રજાના ખાતામાં રૂપિયા પંદર-પંદર લાખ આપવાનું વચન આપેલુ તે કયારે આવશે? તેવા સવાલ સાથે કોંગ્રેસે આ મુદ્દો પ્રચાર સાહિત્યમાં આવરી લીધો છે. નોટબંધી, જી.એસ.ટી.થી પ્રજાને શું ફાયદો થયો? નવી પ્રધાનમંત્રી વીમા યોજના કેવી નીવડી? વગેરે બાબતે કોંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપને ઘેરવા માંગે છે. મનમોહનસિંહને મોૈન વડાપ્રધાન કહેનારા ભાજપના રાજમાં બોલકા વડાપ્રધાને બોલેલુ કેટલુ પાળ્યુ ? તેનો હિસાબ માંગવા માટે કોંગ્રેસના ટેકનોલોજી નિષ્ણાંતો કાર્યરત થઇ ગયા છે. ૨૦૧૪માં ભાજપે જે સોશ્યલ મીડિયા અને પ્રચારના અન્ય માધ્યમોથી ફાયદો મેળવેલ તે જ પધ્ધતિથી હવે ભાજપને નુકશાન કરવાનુ઼ આયોજન કોંગ્રેસ કરી રહી છે.(૧.૮)

 

(11:50 am IST)