Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

માયાવતીએ ત્રણ રાજ્યોમાં ભાજપાનો માર્ગ સરળ બનાવ્યો

મહાગઠબંધનની શકયતાઓથી આશકિત ભાજપાને બીએસપીના નિર્ણયથી રાહત

નવી દિલ્હી, તા. ૨૨ :. કોંગ્રેસથી અલગ થઈ ચૂકેલા અજીત જોગી અને બીએસપી પ્રમુખ માયાવતી વચ્ચે છત્તીસગઢમાં ચૂંટણી જોડાણની જાહેરાતથી ભાજપા મોટી રાહત અનુભવી રહ્યો છે. પક્ષના સૂત્રોનું કહેવું છે કે પણ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં જીત મેળવીને લોકસભા ચૂંટણી માટે વાતાવરણ ઉભુ કરવા ઈચ્છે છે. પક્ષને એવું લાગી રહ્યુ હતુ કે મહાગઠબંધન તરફ આગળ વધી રહેલા વિરોધ પક્ષોમાં કોંગ્રેસે આ ત્રણ રાજ્યોમાં બીએસપી સાથે બેઠકોનું નક્કી કર્યુ તો ભાજપાનો રસ્તો મુશ્કેલ બનશે. એનુ કારણ એ છે કે, આ ત્રણે રાજ્યોમાં બીએસપીના ૩ થી ૬ ટકા મત છે અને છેલ્લી ચૂંટણીમાં પરિણામો જોતા આ મત બહુ નિર્ણાયક છે.

મત વહેંચાશે તો ફાયદો થશે

પક્ષને લાગી રહ્યુ છે કે જો બીએસપી આ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસથી અલગ રહીને ચૂંટણી લડે તો ભાજપા વિરોધી મત વહેંચાય જશે. જેનો ફાયદો ભાજપાને મળશે. પક્ષના એક નેતા અનુસાર મધ્ય પ્રદેશમાં ગઈ વખતે ભાજપાને લગભગ ૪૫ ટકા, કોંગ્રેસને ૩૭ ટકા અને સવા છ ટકા મત બીએસપીને મળ્યા હતા. આમ જો કોંગ્રેસ અને બીએસપીના મત ભેગા કરવામાં આવે તો ભાજપાને મુશ્કેલીઓ ઉભી થાત. આ જ રીતે છત્તીસગઢમાં તો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે ૧ ટકાનો જ ફેર હતો અને ત્યાં બીએસપીએ ૪ ટકાથી વધારે મત મેળવ્યા હતા.

જો કે ભાજપા ઉપપ્રમુખ પ્રભાત ઝાનું કહેવું છે કે, બીએસપી અલગ લડે કે કોઈ સાથે જોડાણ કરે ભાજપાને કોઈ ફર્ક નહીં પડે. ભાજપા ત્રણેય રાજ્યોમાં જીતશે.

કોંગ્રેસને ત્રીજો ઝટકો આપવાની બીએસપીની તૈયારી

બીએસપી સુપ્રિમો માયાવતી મોટાભાગે સપા અને સીપીઆઈ સાથે મળીને ત્રીજો મોરચો બનાવશે. આ ત્રીજો મોર્ચો રાજસ્થાનની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બનાવાશે. મનાઈ રહ્યુ છે આવતા થનાર લોકસભા ચૂંટણી પહેલા બીએસપી તરફથી કોંગ્રેસને આ ત્રીજો ઝટકો હશે. રાજસ્થાનના પ્રભારી અને સીપીઆઈના રાષ્ટ્રીય સચિવ અતુલકુમાર અંજાને આ સમાચારની પુષ્ઠિ કરી છે. તેમણે કહ્યું, 'પક્ષ ગઠબંધન માટે માયાવતીના સંપર્કમાં છે, જેડીએમ અને એસપી સાથે ડાબેરી પક્ષોએ ત્રીજો મોરચો બનાવ્યો છે. બીએસપી પણ તેમા જોડાશે તો અમને આનંદ થશે.' જ્યારે કોંગ્રેસ રાજસ્થાનમાં બીએસપીનો સાથ લેવા તૈયાર નથી. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિવ પાયલોટ કોઈપણ જોડાણની વિરૂદ્ધ સામે આવ્યા છે.(૨-૩)

(11:46 am IST)