Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

રિચાર્જ એપ્લિકેશન હેક કરીને કંપની સાથે લાખ્ખોની ઠગાઇ : ભાવનગરથી બે પકડાયા

૨૩,૯૮૦ ગેરકાયદે ટ્રાન્ઝેકશન કરીને રૂ. ૩૪.૭૫ લાખની છેતરપિંડી આચરાઇ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું

મુંબઈ તા. ૨૨ : મોબાઇલ-ડીટૂએચ રિચાર્જ એપ્લિકેશન હેક કરીને ૨૩ હજાર જેટલા ગેરકાયદે ટ્રાન્ઝેકશન દ્વારા ખાનગી કંપની સાથે રૂ. ૩૪ લાખની ઠગાઇ આચરવા પ્રકરણે સાઇબર પોલીસે ભાવનગરના બે શખસની ધરપકડ કરી હતી. પકડાયેલા બંનેને મુંબઈ લવાયા બાદ અદાલતમાં હાજર કરાતાં તેમને પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી.

સાઇબર પોલીસે ધરપકડ કરેલા બંને શખસની ઓળખ મહેશભાઇ દામજીભાઇ જાધવ અને મહેશ ઉર્ફે મુન્ના ધનજીભાઇ સોલંકી તરીકે થઇ હોઇ બંને જણ ભાવનગરના રહેવાસી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખાનગી કંપનીના ડિરેકટર એવા ફરિયાદીનો મિત્ર રાજકોટ ખાતેની કંપનીનો પ્રેસિડન્ટ હોઇ આ કંપની ગ્રાહકોને ઓનલાઇન રિચાર્જિંગ સુવિધા પૂરી પાડે છે. આ માટે સોફટવેર બનાવવાનું કામ ફરિયાદીની કંપનીએ કર્યું છે. ફરિયાદીની કંપનીએ સોફટવેર તૈયાર કર્યું હતું અને આ પ્રોજેકટ ફરિયાદીની કંપનીની મુંબઈની ઓફિસમાં શરૂ કરાયું હતું. સોફટવેર મોનિટરિંગનું કામ પણ ફરિયાદીની કંપની પાસે હતું. ૮ સપ્ટેમ્બરે ફરિયાદીના મિત્રની કંપનીની એકાઉન્ટ ટીમે ઓગસ્ટ, ૨૦૧૮માં થયેલા રિચાર્જિંગ અંગે તપાસ કરતાં એવું જાણવા મળ્યું હતું કે આ મહિનામાં રિચાર્જિંગ ઘણું થયું હતું, પણ કંપનીને તેનું પેમેન્ટ ઓછું મળ્યું હતું. ત્યાર બાદ માર્ચ, ઓગસ્ટ, ૨૦૧૮ના રિચાર્જિંગ અંગે પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઇએ રિચાર્જ એપ્લિકેશન હેક કરીને ગેરકાયદે ટ્રાન્ઝેકશન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. આમ ૨૩, ૯૮૦ ગેરકાયદે ટ્રાન્ઝેકશન કરીને રૂ. ૩૪.૭૫ લાખની છેતરપિંડી આચરાઇ હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

દરમિયાન આ અંગે સાઇબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે ગેરકાયદે ટ્રાન્ઝેકશનના ડેટાની સીડી તપાસ માટે લીધી હતી. પોલીસ તપાસમાં બે મોબાઇલ નંબર શંકાસ્પદ જણાઇ આવ્યા હતા. પોલીસે ત્યાર બાદ આઇપી એડ્રેસ મેળવવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીને ઇ-મેઇલ કર્યો હતો. આઇપી એડ્રેસ ભાવનગરનું હોવાનું જણાયા બાદ પોલીસની એક ટીમ ભાવનગર ગઇ હતી અને મહેશ જાધવને તાબામાં લીધો હતો. ત્યાર બાદ ગુનામાં સંડોવાયેલા મુન્ના સોલંકીને પણ પકડી પાડ્યો હતો.(૨૧.૩)

(11:46 am IST)