Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સર્જિકલ સ્ટ્રાઇકની વરસી રાજનીતિ નહીં દેશભક્તિ

વરસી મનાવવાની બાબત ફરજિયાત નથી : જાવડેકર : કોઇપણ સંસ્થાઓ ઉપર નિર્ણય લાદવામાં આવ્યો જ નથી વિરોધ પક્ષોના પ્રહાર બાદ પ્રકાશ જાવડેકર દ્વારા ખુલાસો

નવી દિલ્હી, તા.૨૧ : યુજીસી દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકની વરસી પર યુનિવર્સિટીઓને જારી સંવાદ ઉપર વિવાદને ધ્યાનમાં લઇને સરકારે આખરે ખુલાસો કર્યો છે અને સાફ શબ્દોમાં કહ્યું છે કે, આની પાછળ કોઇ રાજનીતિ નથી. આ દેશભક્તિ સાથે જોડાયેલો મામલો છે. આનું આયોજન સંસ્થાઓ માટે ફરજિયાત નથી. વિપક્ષી દળો દ્વારા સર્જિકલ સ્ટ્રાઇકને લઇને રાજનીતિ રમવાનો આક્ષેપ કરવામાં આવ્યા બાદ માનવ સંશાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા આ પ્રકારના આક્ષેપોને રદિયો આપ્યો હતો. જાવડેકરે કહ્યું હતું કે, ટિકા સંપૂર્ણપણે આધારવગરની છે. જાવડેકરે એમ પણ કહ્યું હતું કે, ભાજપ આ મુદ્દા ઉપર કોંગ્રેસ કરતા બિલકુલ અલગ અભિપ્રાય ધરાવે છે. કારણ કે તે કાર્યક્રમોને પાલન કરવા માટે માત્ર સંસ્થાઓને સલાહ આપે છે જ્યારે કોંગ્રેસ પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે નિર્ણયને પાળવા માટે ફરજ પાળતી હતી. તેમણે કહ્યું હતું કે, કોઇપણ કાર્યક્રમનું આયોજન કરવાની બાબત સંસ્થાઓ માટે ફરજિયાત નથી. આ તેમની ઇચ્છા ઉપર આધારિત છે. તેમણે દાવો કર્યો હતો કે, કેટલાક શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજવા માટે અપીલ કરી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આમા કોઇપણ રાજનીતિ નથી. આ દેશભક્તિ સાથે જોડાયેલો મામલો છે. કેટલીક સંસ્થાઓએ કહ્યું હતું કે, તેઓ ઇચ્છુક છે કે, ૨૯મી સપ્ટેમ્બરના દિવસને સેનાના પૂર્વ ઓફિસરોને સ્કુલમાં બોલાવવામાં આવે. વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવે કે જવાનો કઇરીતે દેશની સુરક્ષા કરે છે. સર્જિકલ સ્ટ્રાઇકને કઇ રીતે અંજામ આપવામાં આવ્યો હતો. જાવડેકરે એમ પણ કહ્યું હતું કે, અમે કોઇ ફરજિયાત કાર્યક્રમ કરી રહ્યા નથી. સૂચનો કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, યુજીસીએ દેશભરની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ગુરુવારના દિવસે સૂચના આપી હતી કે, ૨૯મી સપ્ટેમ્બરના દિવસને સર્જિકલ સ્ટ્રાઇક દિવસ તરીકે મનાવવામાં આવે. આ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવાની તૈયારી કરાઈ હતી.

(12:00 am IST)