Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજકોટમાં મલ્હાર લોકમેળાનો પ્રારંભ :સામાજિક સમરસતાથી મેળો માણવા મુખ્યમંત્રીનો અનુરોધ

ગાય-મોરપિંચ્છ–બંસરી-સુદર્શન ચક્ર વગેરેથી સભર કૃષ્ણની ફિલસૂફી જીવનમાં ઉતારવા મુખ્યમંત્રીનું આહવાનમુખ્યમંત્રીપદનો ભાર ઉતારી ફજરમાં બેસવાનો આનંદ માણતા વિજયભાઇઃવિવિધ સ્ટોલ્સની પણ મુલાકાત લીધી:મેળા અંગેની પુસ્તીકાનું વિમોચન કરાયું

 

રાજકોટ:રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રેસકોર્સ મેદાનમાં યોજાયેલા ‘‘મલ્હાર’’ લોકમેળાના શ્રીગણેશ કરાવ્યા હતા અને મુખ્યમંત્રીપદનો ભાર ઉતારી ફજરમાં બેસવાનો બાળસહજ આનંદ મન ભરીને માણ્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ લોકમેળાનો શુભારંભ કરાવતાં ઉત્સાહજનક સ્વરે જણાવ્યું હતું કે, સંસ્કૃતિ, પરંપરા, ઉત્સાહ અને આધુનિકતાનો સુભગ સમન્વય રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ઉજવાતા લોકમેળાઓમાં  સુપેરે જોવા મળે છે. આ બાબતને તેમણે રાજયના નાગરિકોની ઉત્સાહપ્રેરક મનોસ્થિતિનું પ્રતિબિંબ ગણાવી હતી.

  રાજકોટ ખાતે યોજાતા લોકમેળાનો ટૂંકો ઇતિહાસ રજૂ કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટવાસી તરીકેની પોતાની આગવી ઓળખ સાબિત કરી આપી હતી. આ તકે મુખ્યમંત્રીવિજયભાઇ મેળા સાથેના પોતાના સંસ્મરણો ભાવુક સ્વરે વાગોળ્યા વગર રહી નહોતા શકયા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મેળો માણવા આવેલા નાગરિકોને પ્રતિવર્ષ રાજકોટના મેળામાં જોવા મળતી સામાજિક સમરસતા આ વર્ષે પણ જાળવી રાખવા અને મેળામાં સ્વચ્છતા થકી સ્વસ્થતા જાળવવા પર ભાર મુકયો હતો. 

  લોકજીવનમાં મેળાનું મહત્વ પિછાણતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહયું હતું કે, જનસામાન્યમાં મેળા થકી નવી ઉર્જાનો સંચાર થાય છે, જેનાથી રાજયના નવસર્જનમાં સામાન્ય નાગરિકો સહભાગી બની શકે છે. ગુજરાતને ધબકતું રાખવામાં અને વાઇબ્રન્ટ બનાવવામાં લોકમેળાઓનો હિસ્સો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહત્વનો ગણાવ્યો હતો.

   મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ પાંચ દિવસ ઉજવવાની સૌરાષ્ટ્રની પરંપરાને બિરદાવી હતી, અને ગાય-મોરપિંચ્છ–બંસરી-સુદર્શન ચક્ર વગેરેથી સભર કૃષ્ણની ફિલસૂફી જીવનમાં ઉતારવા ઉપસ્થિત નાગરિકોને આહવાન  પાઠવ્યું હતું.

  જિલ્લા વહીવટીતંત્ર અને લોકમેળા સમિતિ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આયોજિત ‘‘મલ્હાર’’ લોકમેળામાં સમયને અનુરૂપ કરવામાં આવેલી આધુનિક વ્યવસ્થાની મુખ્મયમંત્રીએ વિશેષ સરાહના કરી હતી. અને મેળાના આયોજનમાં સુચારૂ સહકાર બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા.

  ચાલુ વર્ષે થયેલા સારા વરસાદને લીધે નિર્માણ થયેલી કૃષિ ક્ષેત્રના ઉજળા ભવિષ્યની તકનો લાભ લઇ રાજયના વિકાસમાં અગ્રેસર થવા રાજયના કૃષિકારોને મુખ્યમંત્રીએ ખાસ અનુરોધ કર્યો હતો, અને આગામી પાંચ દિવસ વરસાદની આગાહી ન હોવાથી મન ભરીને મેળો માણવા મેળાપ્રેમી જનતાને હાકલ કરી હતી.

 મુખ્યમંત્રી રૂપાણીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, માહિતી વિભાગ વગેરે સ્ટોલ્સની પણ મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીનો લાઇવ સ્કેચ બનાવનાર  ઉભરતા કલાકાર જયદીપ બારડની કલાને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહર્ષ સરાહી હતી

મુખ્યમંત્રીએ ‘‘મલ્હાર’’ લોકમેળાનો રીબિન કાપી વિધિવત રીતે શુભારંભ કરાવ્યો ત્યારે ઉપસ્થિત મેળાપ્રેમી નાગરિકો હર્ષની ચિચિયારીઓથી ઝૂમી ઉઠયા હતા. ઉદઘાટન સ્થળથી સ્ટેજ સુધીના માર્ગ પર ઢોલ-નગારા-કલાત્મક છત્રી- રાસ લેતી બાળાઓ- શહેર શ્રેષ્ઠીઓ વગેરેએ હૈયાની ઉલટથી મુખ્યમંત્રીનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીરૂપાણી સહિતના મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કરાયું  હતું. મેયરશ્રી બીનાબેન આચાર્યએ પ્રાસંગિક પ્રવચનમાં લોકમેળાનો ઇતિહાસ તથા રાજકોટ મહાનગર પાલિકાના વિકાસકાર્યોનો ટુંકો ચિતાર દર્શાવ્યો હતો. લોકમેળા અંગેની પુસ્તિકાનું મુખ્યમંત્રી તથા મહાનુભાવોએ આ પ્રસંગે વિમોચન કર્યું હતું.

કલેક્ટર ડો. રાહુલ ગુપ્તાના સ્વાગત પ્રવચનથી ‘‘મલ્હાર’’ લોક મેળાનો શુભારંભ થયા બાદ મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય સ્ટેજ પરથી રજૂ થયેલ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રસપૂર્વક નિહાળી હતી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિરાણી હાઇસ્કૂલ સ્થિત વૃંદાવન મેળાનું ઉદઘાટન કર્યા બાદ શુભેચ્છા સંદેશ પાઠવતાં જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પર્વ પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. તેની પાછળનું કારણ શ્રીકૃષ્ણએ દ્વારિકા ખાતે નગરી વસાવી અહીં રહ્યા હતાં તે છે. તેમજ કૃષ્ણ ભગવાને તેમના જીવનની  અંતિમ ક્ષણો પણ સૌરાષ્ટ્રમાં વિતાવી હતી. શ્રીકૃષ્ણનો જીવન સંદેશ માનવ જીવનને ધબકતું રાખવાનો છે. પર્વમાં કોઈપણ પ્રકારની નિરાશામાંથી  માણસ આનંદ અને ઉલ્લાસભર્યો બની જતો હોય છે તેમ  જણાવ્યું હતું. 

આ કાર્યક્રમમાં રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા, ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ તથા લાખાભાઇ સાગઠિયા, શ્રીમતિ અંજલિબેન રૂપાણી,અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મિરાણી, રાજુભાઇ ધૃવ, ધનસુખભાઇ ભંડેરી મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાની, શહેર પોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ગ્રામ્યના પોલિસ અધિક્ષક બલરામ મીના, અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.પટેલ, નાયબ મ્યુનિ.કમિશ્નર ચેતન ગણાત્રા, પ્રાંત અધિકારી ડી.પી.ચૌહાણ અને  જે.કે.જેગોડા, તથા મોટી સંખ્યામાં રાજકોટના ઉત્સવપ્રેમી જનતા સહિત સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

 

(11:06 pm IST)