Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

માત્ર રપ ટકા પેમેન્ટ કરી ટ્રેનની ઓનલાઇન ટિકિટ બુક થઇ શકશે

બાકીની રકમ મુસાફરીના બે દિવસ પહેલા ભરવી પડશે : એકાદ મહિનામાં નવી સુવિધા મળતી થશે

નવી દિલ્હી, તા. રર :  ટ્રેનની મુસાફરી કરતા પ્રવાસીઓની સુવિધામાં રેલવેતંત્ર દ્વારા સુધારા થઇ રહ્યા છે. હવે રેલવે પ્રવાસીઓની સુવિધામાં વધુ એક નવી સુવિધા ટુંક સમયમાં શરૂ કરી રહી છે. આ અંતર્ગત પ્રવાસી માટે હવે રેલવે ટિકિટ હપ્તેથી મળી રહે. તે માટે નવી સુવિધા શરૂ થઇ રહી છે. આગામી એક મહિના બાદ શરૂ થનારી આ સુવિધામાં ટિકિટ બુક કરાવતી વખતે પ્રવાસી પાસે ટિકિટના પુરતા પૈસા નહીં હોય તો માત્ર રપ ટકા રકમ જમા કરાવીને ટિકિટ બુક કરાવી શકશે.

ખિસ્સામાં પૈસા નથી અને ફરવા જવાનું પ્લાનિંગ છે તો ચિંતા કરવાની જરૂર નથી. આઇઆરસીટીસી સાથે અંદાજે અડધો ડઝન બેન્ક દ્વારા ટાઇઅપ કરાયું છે. જે બેન્ક ટિકિટ બુકિંગવ માટે ઓછા વ્યાજે લોન આપશે. બુકિંગ સમયે બાકી રહેલી ૭પ ટકા રકમ મુસાફરીના બે દિવસ પહેલા જમા કરાવવાની રહેશે. જો આ રકમ જમા નહીં થાય તો ટિકિટ જાતે જ રદ થશે અથવા જે કાર્ડથી જમા કરાવી હશે તે કાર્ડમાંથી ભરાઇ જશે. આ સુવિધા માત્ર આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી મળશે, આ સુવિધા લેવા માટે મુસાફરીના એક મહિના અગાઉ ટિકિટ બુક કરાવવી પડશે. ઉલ્લેખનીય છે કે રેલવેમાં હવે પ્રિમિયમ ટ્રેનના ભાડા મોંઘા થયાં છે ત્યારે પરિવાર સાથે ફરવા જનારને થર્ડ એસીમાં બુકિંગ કરાવવા તાત્કાલિક હજારો રૂપિયાની જરૂર પડે છે ત્યારે આ સમયે આઇઆરસીટીસી દ્વારા થનાર આ સુવિધા નાગરિકોને એક મહિનાની મહેતલ આપશે, જો કે આ સુવિધા એજન્ટ દ્વારા બુકિંગ કરાવનારને નહીં મળે. માત્ર જાતે પોતાની ટિકિટ બુક કરાવનારને મળશે. અગાઉ બેન્કોએ પ્રવાસ માટે પણ લોક સુવિધા શરૂ કરી હતી, પરંતુ તેમાં લાંબી પ્રોસિજર થતી હતી. જયારે આ ટિકિટ માટે લોન સરળ રહેશે. વેસ્ટર્ન ડિવિઝનમાં આ સુવિધા અંગે હજુ તારીખ જાહેર નથી થઇ, પરંતુ એક મહિના જેટલોસમય લાગી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

(3:57 pm IST)