Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ચિદમ્બરમ્ની રાતભર પૂછપરછઃ કોર્ટમાં રજૂઃ રિમાન્ડ મંગાશે

આઈએનએકસ મિડીયા કેસમાં પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ્ રાતભર સીબીઆઈના હેડ કવાર્ટરમાં રહ્યાઃ સીબીઆઈ આજે તેમને કોર્ટમાં રજુ કરી ૭ થી ૧૪ દિવસની રિમાન્ડની માંગણી કરશે

નવી દિલ્હી, તા. ૨૨ :. આઈએનએકસ મિડીયાના મામલે ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવેલા પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના ટોચના નેતા પી. ચિદમ્બરમ્ની રાતભર પૂછપરછ કરવામાં આવી હતી અને આજે બપોર બાદ તેમને સીબીઆઈની કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે જ્યાં રિમાન્ડની માંગણી કરવામાં આવશે તેવુ જાણ વા મળે છે.

ચિદમ્બરમ્ની ધરપકડ થયા બાદ તેમને સીબીઆઈના હેડ કવાર્ટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની પૂછપરછ થઈ હતી. આ દરમિયાન તેમને ડીનર અંગે પૂછાયુ હતુ પરંતુ તેમણે કશું ખાવાનો ઈન્કાર કર્યો હતો. મળતા અહેવાલો મુજબ ચિદમ્બરમ્ે રાતમાં એકલા ડર લાગે એવો હવાલો આપી કસ્ટડીમાં જવાનો ઈન્કાર કર્યો હતો તો સીબીઆઈના એક અધિકારી રૂમમાં તેમની સાથે રહ્યા હતા. એવુ પણ કહેવાય છે કે સીબીઆઈએ ચિદમ્બરમ્ને અનેક સીધા સવાલો પૂછયા હતા. એટલે કે એફઆઈપીબીના નિયમોમાં ફેરફારનો વિરોધ કેમ ન થયો ? કાર્તિ અને ઈન્દ્રાણી મુખર્જીની મુલાકાત કઈ રીતે થઈ ? લાંચના પૈસા કયાંથી કયાં ગયા ? વગેરે. સીબીઆઈનું માનીએ તો ચિદમ્બરમ્ તપાસમાં સહયોગ આપવાને બદલે સામા સવાલો પૂછયા હતા.

સીબીઆઈ ચિદમ્બરમ્ને આજે સીબીઆઈની કોર્ટમાં રજુ કરશે. તપાસ એજન્સી ૧૪ દિવસની રીમાન્ડની માંગણી કરી શકે છે. આ ઉપરાંત ઈડી પણ ચિદમ્બરમ્ની કસ્ટડીની માંગણી કરશે. બીજી તરફ ચિદમ્બરમ્ના વકીલો વહેલી તકે જામીન અરજી કરશે. એ જ કોર્ટમાં જામીન અરજી થશે. જો ત્યાં જામીન નહિ મળે તો સુપ્રીમ કોર્ટમાં જવાની પણ તૈયારી છે. ગઈકાલે રાત્રે ધરપકડ બાદ તેમને રામ મનોહર લોહીયા હોસ્પીટલ લઈ જવાયા હતા જ્યાં તેમનુ તબીબી પરિક્ષણ થયુ હતું. આજે તેમને સીબીઆઈ જજ અજયકુમાર કુહારની કોર્ટમાં રજુ કરવામાં આવશે.

(3:24 pm IST)