Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

૧૦ વર્ષની સૌથી ખરાબ સ્થિતિમાં ખાનગી કંપનીઓના સેલરી ઇન્ક્રીમેન્ટ

ખાનગી કંપનીઓમાં રિક્રૂટમેન્ટની સ્થિતિ દિવસે-દિવસે બેહાલ થતી જાય છે

નવી દિલ્હી, તા.૨૨: દેશમાં આર્થિક મંદીએ ખાનગી કંપનીઓની કમર તોડી નાંખી હોવાના અહેવાલ છે. જેના કારણે આ વર્ષે ખાનગી કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓના પગાર વધારા પર પ્રતિકૂળ અસર પડી છે. સીએમઆઇઇના આંકડાઓ આ વાતની ખાતરી કરે છે કે, ખાનગી ક્ષેત્રમાં આ વર્ષે પગાર વધારો વિતેલા ૧૦ વર્ષના સૌથી નીચલા સ્તરે રહ્યો. દેશમાં બેરોજગારી દર ૬.૧ ટકા છે જે અત્યાર સુધીનો સૌથી ઉંચો દર છે.

બેરોજગારીમાં વૃદ્ઘિ અને પગારમાં નહિવત વધારાએ દેશમાં રોજગારની વર્તમાન સ્થિતિને બંને બાજુથી ફટકો આપ્યો છે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે ૨૦૧૪૭-૧૮માં જોવા મળ્યું કે, દેશમાં બેરોજગારી અત્યાર સુધીના સૌથી ઉંચા દરે પહોંચી છે. હાલમાં પુરુષ કર્મચારીઓમાં બેરોજગારી ૧૯૭૭/૭૮ પછી સૌથી ઉંચા સ્તરે છે અને મહિલાઓમાં આ પ્રમાણ ૧૯૮૩ પછીના સૌથી ઉંચા સ્તર પર આવી પહોંચ્યું છે.

કેર રેટિંગ્સના એક અભ્યાસ મુજબ ખુલાસો કરવામાં આવ્યો હતો કે, દેશમાં ભરતીઓની હાલત પણ દિવસ-દિવસે ખરાબ થતી જાય છે. જો આ મુદ્દાને ધ્યાનમાં રાખીએ તો દેશની આર્થિક વ્યવસ્થા માટે આ ત્રીજા ફટકા સમાન છે.

બેન્ક, વીમા કંપનીઓ, ઓટોમોબાઇલ્સ, તથા લોજિસ્ટિક અને ઇન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓમાં રિક્રૂટમેન્ટની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.

એક રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૧-૧૨માં બેરોજગારોની સંખ્યા ૧.૦૮ કરોડ હતી જે વર્ષ ૨૦૧૭-૧૮માં બેગણી વધીને ૨.૮૫ કરોડ પહોંચી છે. ૧૯૯૯-૨૦૦૦ તથા ૨૦૧૧-૧૨ને વચ્ચે બેરોજગારોની સંખ્યા લગભગ એક કરોડ હતી. ૨૦૧૧-૧૨ તથા ૨૦૧૭-૧૮ને સમયગાળામાં ૧.૮ કરોડ લોકો શ્રમિક તરીકે ઉમેરાયા. જયારે આ દરમિયાન  માત્ર પાંચ લાખ બેરોજગાર પેદા થયા જેને બેરોજગારીમાં ધરખમ વધારા માટેનું કારણ માનવામાં આવે છે.

(10:47 am IST)