Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

ચિદમ્બરમના બચાવમાં કોંગી ટીમ ઉતરી છે : આક્ષેપનો મારો

પ્રિયંકા અને રાહુલ ગાંધીના મોદી પર પ્રહારો : ચિદમ્બરમથી મોદી સરકાર પરેશાન છે : પ્રિયંકા વાઢેરા

નવી દિલ્હી,તા.૨૧ :આઈએનએક્સ મીડિયા કેસમાં આગોતરા જામીન અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ ચિદમ્બરમની મુશ્કેલી ખુબ વધી ગઈ છે. ચિદમ્બરમના બચાવમાં હવે કોંગ્રેસ ટુકડી પણ આવી ચુકી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રંયિકા ગાંધી પણ સમર્થનમાં આવ્યા છે અને આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ આક્ષેપ કરતા કહ્યું છે કે, સરકાર ઈડી, સીબીઆઈ અને કેટલાક મીડિયા ગ્રુપ મારફતે ચિદમ્બરમને અપમાનીત કરી રહી છે. કેન્દ્ર સરકારની વાસ્તવિકતાને સપાટી પર લાવનાર ચિદમ્બરમથી સરકાર પરેશાન થયેલી છે.

        ચિદમ્બરમ આજે વધુ મુશ્કેલીમાં એ વખતે મુકાઈ ગયા હતા જ્યારે સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર વહેલી તકે સુનાવણીનો ઈન્કાર કર્યો હતો. રાહુલે કહ્યું કે, કેન્દ્ર સરકાર ચિદમ્બરમની છાપ ખરાબ કરવા માટે એજન્સીઓ અને મીડિયાનો ઉપયોગ કરી રહી છે. દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ચિદમ્બરમના આગોતરા જામીનની અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ મોડી રાતે ઈડી અને સીબીઆઈની ટીમ ચિદમ્બરના ઘરે પહોંચી હતી પરંતુ તે મળ્યા ન હતા. હવે કોંગ્રેસ ચિદમ્બરમની તરફેણમાં સીજેઆઈ સમક્ષ પોતાનો પક્ષ રજુ કરશે.  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે ચિદમ્બરમ સામે તપાસ કરતી એજન્સીઓ વિશે ટીપ્પણી કરી છે. તેમણે ટ્વિટમાં કહ્યું છે કે, મોદી સરકાર ઈડી, સીબીઆઈ અને એક મીડિયા વર્ગનો ચિદમ્બરમનું ચરિત્ર ખરાબ કરવા માટે ઉપયોગ કરી રહી છે.

હું તાકાતના આ ખોટો ઉપયોગની નિંદા કરુ છું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ચિદમ્બરમ રાજ્યસભાના એક સમ્માનિત સભ્ય છે, જેમણે દાયકાઓથી નાણા મંત્રી અને ગૃહમંત્રી તરીકે દેશની ઈમારનદારીથી સેવા કરી છે. તે ગભરાયા વિના સત્ય બોલે છે. પરંતુ ડરપોક લોકો માટે સત્ય મુશ્કેલીનું કારણ બને છે અને તેથી જ એજન્સીઓ તેમની છાપ ખરાબ કરવા માટે પાછળ પડી ગઈ છે. અમે તેમની સાથે ખડેપગે છીએ અને સત્ય માટે લડતા રહીશું, પછી ભલે ગમે તે પરિણામ આવે.

(8:40 am IST)