Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

લાઈફબોય સોપ બ્રાન્ડમાં નંબર-૧: લકસને ત્રીજા ક્રમે ધકેલી સંતુર નં.-૨

સંતુરનો વોલ્યુમ શેર ૧૪.૯ ટકા, લકસનો ૧૩.૯ ટકા, લાઈફબોય ૧૮.૭ ટકા સાથે આગળ

નવી દિલ્હી, તા. ૨૨ :. વિપ્રો કન્ઝયુમર કેર એન્ડ લાઈટિંગની સંતુર સાબુ બ્રાન્ડ પહેલીવાર ભારતની બીજા ક્રમની બ્રાન્ડ બની ગઈ છે. દેશભરમાં વોલ્યુમની રીતે તેણે મહાકાય કન્ઝયુમર ગુડઝ કંપની હિન્દુસ્તાન યુનિલિવરની લકસ બ્રાન્ડને ત્રીજા ક્રમે ધકેલી દીધી છે એમ રિસર્ચ કંપની કાંતાર વર્લ્ડપેનલના ડેટાને ટાંકીને બે અધિકારીએ જણાવ્યુ હતું.

જૂન ૨૦૧૮માં સંતુરનો વોલ્યુમ શેર ૧૪.૯ ટકા નોંધાયો હતો જ્યારે લકસનો વોલ્યુમ શેર ૧૩.૯ ટકા થયો હતો. ૧૮.૭ ટકા વોલ્યુમ શેર સાથે એચયુએલની લાઈફબોય બ્રાન્ડ નં. ૧ પર યથાવત રહી છે. કાંતાર વર્લ્ડપેનલ પાસે વોલ્યુમ શેરની માહિતી છે પરંતુ તે વેલ્યુ સેલ્સનું મોનિટરીંગ કરતી નથી. 'વોલ્યુમની રીતે સંતુર હવે દેશની નં. ૨ બ્રાન્ડ બની ગઈ છે અને અમારી પાછળ જે બ્રાન્ડ છે તેના પર સ્પષ્ટપણે લીડ મેળવી છે. અમે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક વધારીને, યુવા પેઢીમાં સતત જાહેરાત અને પ્રમોશન કરીને આ સફળતા હાંસલ કરી છે.' એમ વિપ્રો કન્ઝયુમર કેરના સીઈઓ અનિલ ચુગે કહ્યુ હતું. ૨૦૧૭-૧૮માં સંતુર બ્રાન્ડે રૂ. ૧,૯૩૦ કરોડનું ટર્નઓવર હાંસલ કર્યુ હતુ. ચુગે જણાવ્યુ હતુ કે, દક્ષિણ અને પશ્ચિમ ભારતનાં શહેરી અને ગ્રામ્ય માર્કેટસમાં સંતુર બ્રાન્ડ ઘણો વ્યાપ ધરાવે છે પરંતુ પહેલીવાર અમારી બ્રાન્ડે રાષ્ટ્રીય સ્તરે આગેવાની હાંસલ કરી છે.

એચયુએલના પ્રવકતાએ જણાવ્યુ હતુ કે, 'ગયા વર્ષે લકસ બ્રાન્ડે સારી પ્રગતિ કરી હતી. લાઈફબોય બાદ તે ભારતની બીજા ક્રમની સૌથી મોટી બ્રાન્ડ તરીકે તેનું સ્થાન જાળવી રાખશે.' જૂન ૧૮ કવાર્ટરમાં એચયુએલ એ સતત ત્રીજા કવાર્ટરમાં બે આંકડામાં સેલ્સ વોલ્યુમ નોંધાવ્યુ હતુ. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેનો પર્સનલ કેર બિઝનેસ ૧ ટકા વધીને જૂન કવાર્ટરમાં રૂ. ૪,૦૯૬ કરોડનો થયો હતો. આ બિઝનેસ કુલ વેચાણમાં ૫૦ ટકા હિસ્સો ધરાવે છે.

છ મહિના પહેલા રિસર્ચ કંપની નિલ્સને પણ સંકેત આપ્યા હતા કે એચયુએલ પર્સનલ કેર સેગમેન્ટમાં બજાર હિસ્સો ગુમાવી રહી છે. વિપ્રો કન્ઝયુમરના કુલ વેચાણમાં ભારતનો હિસ્સો ૫૦ ટકા છે. કંપનીએ તાજેતરમાં પર્સનલ કેર સેગમેન્ટમાં બે બ્રાન્ડસ ખરીદી હતી પરંતુ ભારતમાં તે માત્ર બે બ્રાન્ડસ (સંતુર સાબુ અને સેફવોશ ડિટરજન્ટ) દ્વારા બિઝનેસ કરે છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, તેણે ૨૦૧૭-૧૮ નાણાકીય વર્ષમાં એક અબજ ડોલરની આવકને ક્રોસ કરી હતી.(૨-૨)

(3:19 pm IST)