Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

બકરી ઇદ પર કાશ્મીરમાં હિંસાઃ ISIS-પાકિસ્તાનના ઝંડા લહેરાયા

દેખાવકારોએ સેનાના જવાનો પર કર્યો પથ્થરમારો : ટોળાને વિખેરવા હવામાં ફાયરીંગ અને ટીયર ગેસ છોડયો : સ્થિતિ બેકાબુઃ ટ્રેઇની કોન્સ્ટેબલ અને ભાજપ કાર્યકર્તાની હત્યા : શ્રીનગરમાં નારેબાજી

નવી દિલ્હી તા. ૨૨ : એક તરફ બકરી ઈદની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે ત્યારે બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં યુવાનો સેનાના જવાનો પર પથ્થરમારો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં પ્રદર્શનકારીઓએ ભારતીય સેનાના જવાનો પર પથ્થરમારો કર્યો છે. પાક. અને ISISના ઝંડા લઈને રસ્તા પર ઉતરેલા યુવાનોએ સેનાના વાહનોને પણ નિશાન બનાવ્યા હતા. ટોળાએ મુસા આર્મીના ઝંડા પણ ફરકાવ્યા હતા. મોટીસંખ્યામાં યુવાનોએ સેના પર પથ્થરમારો શરૂ કરી દેતા જવાનોએ પણ સામે કાર્યવાહી હાથ ધરી હતી. સેનાના જવાનોએ ટોળાને વિખેરવા હવામાં ફાયરિંગ અને આંસુ ગેસના ગોળાઓ ફેંકયા હતા.

સુરક્ષા ઝવાનોએ કાર્યવાહી કરતા સ્થિતિને સંભાળી અને પથ્થરબાજીને રોકી હતી. જાણવા મળી રહ્યું છે કે આ પથ્થરબાજીમાં એક પત્રકારને પણ ઈજા પહોંચી છે. ઇસ્લામિક સ્કોલર રિઝવાન અહમદનું કહેવું છે કે પથ્થરબાજોનો કોઈ ધર્મ નથી, તેઓ માત્ર ધર્મના નામ પર ટોળાને ભડકાવે છે. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈનાનું કહેવું છે કે પાકિસ્તાન કાશ્મીરને કબ્રસ્તાન બનાવવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાં ઉજવણીના દિવસ પણ પાકિસ્તાનને ન ગમ્યો અને આવી ગંદી હરકત કરવામાં આવી છે.ઙ્ગ

મહત્વનું છે કે આવું પહેલીવાર બન્યું નથી કે જયારે આ રીતે પોલીસ અને પથ્થરબાજો વચ્ચે ઘર્ષણ થયું છે. અનંતનાગમાં આવી ઘટનાઓ બનતી રહી છે. આ પહેલા પણ અનંતનાગમાં સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દરમિયાન યુવાનોએ પથ્થર ફેંકયા હતા.ઙ્ગબકરી ઇદના તહેવારના લીધે પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ કરી દેવાઇ. જો કે સુરક્ષા બળોની તત્પરતા છતાંય શ્રીનગરના કેટલાંક વિસ્તારોમાં હિંસા ભડકયાના સમાચાર છે.

કુલગામમાં ટ્રેની કોન્સ્ટેબલ અને પુલવામામાં ભાજપ કાર્યકર્તાની હત્યા કરી દેવાઇ. સ્થિતિ બેકાબૂ થતી જોઇ સુરક્ષા બળો અને સ્થાનિક પથ્થરબાજોની વચ્ચે ઘર્ષણના પણ સમાચાર આવી રહ્યાં છે. બકરીઇદના અવસર પર પાકિસ્તાનની તરફથી સીઝફાયર ઉલ્લંઘન કરાયું અને એક ભાજપ કાર્યકર્તાની પુલવામામાં આતંકીઓએ હત્યા કરી દીધી.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે પુલવામામાં ભાજપ કાર્યકર્તાની હત્યા પર ટ્વીટ કરી શોક વ્યકત કર્યો. શાહે ટ્વીટ કર્યું કે ભાજપ કાર્યકરતા શબ્બીર અહમદ ભટના મોતના સમાચારથી ખૂબ દુખ થયું. આ કાયરતાભરી હરકતની ઘોર નિંદા કરું છું. અતિવાદી કાશ્મીરના યુવાનોને શ્રેષ્ઠ ભવિષ્ય માટે આગળ વધતું રોકી શકાશે નહીં. હિંસાનું આ ચક્ર લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.(૨૧.૨૫)

(3:15 pm IST)