Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુરૂદાસ કામતનું નિધન

ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ રહી ચૂકયા છેઃ કામત ૨૦૦૯થી ૨૦૧૧ના વર્ષ દરમિયાન યુપીએ સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચૂકયા છે

કોંગ્રેસના સીનીયર નેતા ગુરૂદાસ કામતનું  હૃદયરોગના હુમલાથી નિધન થતા કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ સોનીયા ગાંધી પ્રીમુસ હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યારની તસ્વીર

 

નવી દિલ્હી તા. ૨૨ : કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુરુદાસ કામતનું ૬૩ વર્ષની વયે નિધન થયું છે. કામતે ૬૩ વર્ષની વયે નવી દિલ્હીની ચાણકયપુરીમાં આવેલી એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કામત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ વર્કિંગ કમિટિના મહાસચિવ અને કોંગ્રેસ વર્કિંગ કમિટિના સભ્ય રહી ચુકયા છે, તેઓ ગુજરાત કોંગ્રેસના પ્રભારી પણ રહી ચુકયા છે.

ગુરૂદાસ કામત રાજકારણીની સાથે સાથે વ્યવસાયે વકીલ હતા. તેમણે મુંબઈની આર.એ.પોદાર કોલેજમાંથી કોમર્સ સ્નાતકની પદવી મેળવી છે. આ ઉપરાંત તેમણે મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી લોની ડીગ્રી મેળવી હતી.

કામત વર્ષ ૨૦૦૯માં મહારાષ્ટ્રની મુંબઈ નોર્થ-વેસ્ટ બેઠક પરથી કોંગ્રેસના સાંસદ રહી ચુકયા છે. ત્યાર બાદ તેઓ વર્ષ ૧૯૮૪, ૧૯૯૧, ૧૯૯૮ અને ૨૦૦૪માં મુંબઈની નોર્થ ઇસ્ટ બેઠક પરથી સાંસદ રહી ચુકયા છે. ૨૦૦૯થી ૨૦૧૧ના વર્ષ દરમિયાન તેઓ યુપીએ સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી ચુકયા છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના કિરીટ સૌમેયા સામે ચૂંટણી હારી ગયા હતા.

૨૦૧૬ના વર્ષમાં કામતે પાર્ટીથી નારાજ થઈને પક્ષના પ્રાથમિક સભ્યપદ અને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે કહ્યુ હતું કે તેઓ પાર્ટીમાંથી નિવૃત થઈ રહ્યા છે. રાજીનામું આપતા પહેલા તેમણે પાર્ટીના સભ્યોને એક પત્ર પણ લખ્યો હતો. જોકે, બે અઠવાડિયા બાદ તેમણે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું.

'છેલ્લા ૪૪ વર્ષથી તમારી બધાની સાથે મળીને મેં કોંગ્રેસની સેવા કરી છે. કેટલાંક મહિનાથી હું એવું અનુભવી રહ્યો હતો કે મારે પાછળ રહીને હવે બીજાને તક આપવી જોઈએ. ૧૦ દિવસ પહેલાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળીને મેં તેમને મારા વિચારો જણાવી દીધા હતા. મેં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને પણ મારા વિચારો જણાવી ધીધા છે. તેમણે કોઈ જવાબ નથી આપ્યો. હું કોંગ્રેસના દરેક સભ્યનો આભાર માનું છું.' (૩૭.૬)

(11:37 am IST)