Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેન્દ્ર કેરળ માટેની UAEની ૭૦૦ કરોડની સહાયને નહીં સ્વીકારે

કેરળમાં ભારે વરસાદ અને પૂરે મચાવેલી તબાહી પછી દેશ જ નહીં દુનિયાભરના લોકો મદદનો હાથ લંબાવી રહ્યા છે

નવી દિલ્હી તા. ૨૨ : કેરળમાં ભારે વરસાદ અને પૂરે મચાવેલી તબાહી પછી દેશ જ નહીં દુનિયાભરના લોકો મદદનો હાથ લંબાવી રહ્યાં છે. અલગ અલગ રાજયો ઉપરાંત કતાર, યુએઇ જેવા દેશોએ પણ આર્થિક મદદની રજૂઆત કરી છે. જોકે સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે સરકાર વિદેશો પાસેથી નાણાંકીય મદદનો સ્વીકાર નહીં કરે. આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે સરકારે આ સ્થિતિમાંથી ઉપર આવવા માટે માત્ર ઘરેલુ પ્રયાસો પર નિર્ભર રહેવાના નિર્ણય પર જ વિચાર કર્યો છે.

સંયુકત અરબ અમીરાતે કેરળમાં પૂર રાહત અભિયાન માટે આશરે ૭૦૦ કરોડ રૂપિયાની નાણાંકીય સહાયતાની રજૂઆત કરી છે. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયનને તિરુવનંતપુરમમાં કહ્યું કે અબુ ધાબીના વલીહદ શહેજાદા શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયનના વડાપ્રધાને નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને સહાયતા આપવાનું કહ્યું હતું. આશરે ૩૦ લાખ ભારતીય સંયુકત અરબ અમીરાતમાં રહીને કામ કરે છે જેમાં ૮૦ ટકા કેરળના છે.

માલદીવની સરકારે પણ કેરળના પૂર પ્રભાવિત લોકોની મદદ માટે ૩૫ લાખ રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવે છે કે સંયુકત રાષ્ટ્ર પણ કેરળ માટે મદદની રજૂઆત કરી શકે છે. સૂત્રોએ કહ્યું કે ભારત વિદેશો પાસેથી સહાયતા સ્વીકાર કરે તેવી શકયતાઓ નથી. કેરળમાં સદીના સૌથી વિનાશકારી પૂરમાં ૨૩૧ લોકોના મોત થયા છે જયારે ૧૪ લાખથી વધારે લોકો બેઘર છે.

પૂરના કારણે થયેલી તબાહીને જોતા કેરળ સરકારે કેન્દ્રથી ૨૬૦૦ કરોડના વિશેષ પેકેજની માગ કરી છે. મુખ્યમંત્રી પિનરાયી વિજયનની અધ્યક્ષતામાં રાજય મંત્રિમંડળે મંગળવારે પોતાની બેઠકમાં મનરેગા સહિત કેન્દ્રની વિભિન્ન યોજનાઓ અંતર્ગત એક વિશેષ પેકેજ માંગવાનો નિર્ણય કર્યો છે. વિજયનને કહ્યું છે કે આ આપત્તિભરી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે ૩૦ ઓગસ્ટના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. ગત ૧૦૦ વર્ષમાં પહેલી વખત આવી વિનાશકારી સ્થિતિ આવી છે.(૨૧.૬)

(10:36 am IST)