Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

RTIમાં થયો નવો ખુલાસો

મોદીના ફિટનેસ વીડિયો પર થયો નથી ખર્ચ

નવી દિલ્હી તા. ૨૨ : વડાપ્રધાન મોદી દ્વારા ફિટનેસ વીડિયો બનાવવા પાછળ કરવામાં આવેલા ખર્ચની જાણકારી RTI દ્વારા માંગવામાં આવી છે. જેના પર PMO તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે આ ફિટનેસ વીડિયો બનાવવા માટે કોઇ પણ ખર્ચ કરવામાં આવ્યો નથી. યોગ દિવસના એક અઠવાડિયા પહેલા ૧૩ જૂનના વડાપ્રધાને ટ્વિટર પર પોતાનો ફિટનેસ વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ વીડિયોમાં વડાપ્રધાન મોદીએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ફિટનેસ ચેલેન્જનો સ્વીકાર કરતો વીડિયો બનાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો બનાવવા માટે ૩૫ લાખ રૂપિયા ખર્ચ થયા હતા, આ આરોપને કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે.

PMO તરફથી RTIના જવાબમાં કહેવામાં આવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ જે વીડિયો પોસ્ટ કર્યો છે, જેને બનાવવા પાછળ કોઇ જ ખર્ચ કરવામાં આવ્યો નથી. વીડિયો વડાપ્રધાનના આવાસમાં જ બનાવવામાં આવ્યો છે. તેમજ વીડિયોગ્રાફી પીએમઓના કેમરામેન દ્વારા કરવામાં આવી હતી અને વીડિયો માટે કોઇ પણ ખરીદી કરવામાં આવી નથી.(૨૧.૬)

(10:36 am IST)