Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

રાજકીય પક્ષોને પૂછે ચૂંટણી પંચ... તમારા પક્ષમાં કેટલા બદમાશ છે ?: સુપ્રીમ કોર્ટ

દાગી નેતાઓને ચૂંટણી લડતા અટકાવવાની અરજી પર સુપ્રીમ કોર્ટે ઉઠાવ્યા સવાલઃ સુપ્રીમ કોર્ટે પોતાની મજબૂરી પણ દર્શાવીઃ કોર્ટ કહે છે... કાયદો બનાવવાનુ કામ સંસદનું છે, અમે સંસદના ક્ષેત્રાધિકારમાં ઘુસી ન શકીએઃ રાજનીતિના અપરાધીકરણને કોર્ટે દૂષણ ગણાવ્યું: અમે ચૂંટણી પંચને કહી શકીએ કે આવા ઉમેદવારોને ચૂંટણી ચિન્હ પણ ન આપો

નવી દિલ્હી, તા. ૨૨ :. સુપ્રિમ કોર્ટે જણાવ્યુ છે કે જઘન્ય અપરાધોના આરોપીઓને ચૂંટણી લડવાથી અયોગ્ય ઠેરવવા અંગેનો ફેંસલો આપવો એ સંસદના ક્ષેત્રાધિકારમાં ઘુસવા જેવુ હશે. કોર્ટે કહ્યુ છે કે અમે આ લક્ષ્મણ રેખા પાર કરવા માગતા નથી. રાજનીતિને અપરાધીકરણને મોટુ દુષણ ગણાવતા ટોચની અદાલતે જણાવ્યુ છે કે અમે ચૂંટણી પંચને રાજકીય પાર્ટીઓને એવુ કહેવાનો નિર્દેશ આપવા વિચાર કરી શકીએ કે તેઓ પોતાના સભ્ય વિરૂદ્ધ નોંધાયેલ આપરાધીક મામલાઓનો ખુલાસો કરે કે જેથી મતદાર જાણી શકે કે આવા પક્ષોમાં કેટલા કથીત બદમાશ છે.

ગંભીર ગુન્હાહીત આરોપોનો સામનો કરી રહેલા લોકોને ચૂંટણી રાજનીતિમાં આવવાની પરવાનગી નહી આપવાની માંગણી કરતી જનહીત અરજી પર સુના વણી કરતા બેંચે આ વાત જણાવી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછયુ હતુ કે, શું આવા ઉમેદવારોને ચૂંટણીમાં પક્ષના પ્રતિકથી વંચીત કરી શકાય કે કેમ ?

સીજેઆઈ અને જસ્ટિસ નરીમને એટર્ની જનરલ વેણુ ગોપાલને પૂછયુ હતુ કે શું આપણે ચૂંટણી પંચને સિમ્બલ્સ ઓર્ડર હેઠળ એક નિયમ બનાવવાનો નિર્દેશ આપી ન શકીએ ? કે જે કલમ ૩૨૪ હેઠળ ચૂંટણી પંચ દ્વારા એક વહીવટી ફેંસલો હશે. કોર્ટે પૂછયુ હતુ કે આવા ગુન્હાહીત રેકોર્ડ વાળા ઉમેદવારોને જો ચૂંટણી લડવા માટે ટીકીટ આપી દેવામાં આવે તો શું તેઓને પક્ષના ચિન્હથી વંચીત કરી શકાય કે કેમ ?

કોર્ટે જણાવ્યુ હતુ કે, અમે સંસદને કોઈ કાનૂન બનાવવાનો નિર્દેશ આપી ન શકીએ. સવાલ એ છે કે અમે આ દુષણને રોકવા માટે શું કરી શકીએ છીએ. કોર્ટ ચૂંટણી પંચને કહી શકે છે કે તે રાજકીય પક્ષોને એવા નિર્દેશો જારી કરે કે ગંભીર આરોપોનો સામનો કરતા ઉમેદવારોને ન તો ટીકીટ આપવા આવે અને ન તો આવા અપક્ષ ઉમેદવારોને સમર્થન આપશું. કોર્ટે કહ્યુ હતુ કે, અપરાધીઓને ટીકીટ આપવાની બાબતનો કાનૂન બનાવવાનું કામ સંસદનુ છે, કોર્ટમાં બેઠેલા જજોનું નહિ. અમે સંસદની કાનૂન બનાવવા નિર્દેશ આપી ન શકીએ.

દાગી નેતાઓને ચૂંટણી લડતા અટકાવવાની અરજી પર કોર્ટે સવાલ ઉભા કર્યા હતા. કોર્ટે દેશની વાસ્તવિકતાને જોવી જોઈએ. ચૂંટણી ખર્ચની સીમા નક્કી કરવી એ મજાકની બાબત છે. જસ્ટીસ નરીમને કહ્યુ હતુ કે કોર્ટ સંસદના ક્ષેત્રાધિકારમાં નહી જાય. જ્યાં સુધી સંસદ કાનૂન ન બનાવે ત્યાં સુધી અમે ચૂંટણી પંચને આદેશ આપશુ કે ગુન્હાહીત ભૂતકાળવાળા લોકોને ચૂંટણી ચિન્હ ન આપે.(૨-૫)

(10:33 am IST)