Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સાહેબ... ઓફિસે આવતા પહેલા પત્નિના પગ દબાવવા પડે છે, રસોઈ કરવી પડે છે, કપડા પણ ધોવા પડે છે

ઓફિસે મોડા આવવા બદલ કર્મચારીએ ઉપરી અધિકારીને આપ્યુ સ્પષ્ટીકરણઃ ૩ બાળકો છે, તૈયાર કરી નાસ્તો બનાવી સ્કૂલે મોકલવા પડે છે, રસ્તામાં ટ્રાફીકજામ પણ નડે છેઃ સ્પષ્ટીકરણનો પત્ર સોશ્યલ મીડીયામાં વાયરલ

નવી દિલ્હી, તા. ૨૨ :. સાહેબ... ઓફિસ આવતા પહેલા મારે રોજ પત્નિના પગ દબાવવા પડે છે, બધા માટે રસોઈ કરવી પડે છે, બધાના કપડા ધોવા પડે છે, બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલવા પડે છે. આ બધા કારણોથી ઓફિસે આવવામાં મારે મોડુ થઈ છે. ભવિષ્યમાં ધ્યાન રાખીશ.

આવુ કહેવુ છે ચિત્રકુટના બાંદામા સહાયક વાણિજ્ય કર કમિશ્નર કચેરીમાં કામ કરતા એક કર્મચારીનું. અશોકકુમાર નામના આ કર્મચારીને કાયમ મોડા આવવા બદલ તાજેતરમાં આસિ. કમિશ્નર વર્માએ સ્પષ્ટીકરણ માગ્યુ હતુ સાથો સાથે ચેતવણી પણ આપી હતી કે જો સ્પષ્ટીકરણ આપવામાં નહી આવે તો આગળની કાર્યવાહી થશે. જે બાદ અશોકકુમારે આવો જવાબ લખીને આપ્યો હતો.

પોતાના સ્પષ્ટીકરણમાં અશોકકુમારે લખ્યુ હતુ કે મારી પત્નિ બિમાર રહે છે. મારે ત્રણ બાળકો છે. ત્રણેયને નાસ્તો બનાવી સ્કૂલે મોકલવા પડે છે. પત્નિને નવડાવીને ભોજન બનાવી ખવડાવવુ પડે છે. રોટલી સારી રીતે બનતી નથી. કયારેક રોટલી બળી જાય છે. આનાથી પત્નિ ગુસ્સે થાય છે તેથી કયારેક દાળીયા ખાઈને તો કયારેક ખીચડી ખાઈને પેટ ભરવુ પડે છે. ઘરના બધા કામ નિપટાવી ઓફિસે આવવા નિકળુ તો રસ્તામાં માર્ગો ખરાબ હોય છે, ટ્રાફીકજામ થઈ જાય છે, જેના કારણે મોડુ થઈ જાય છે, પરંતુ ભવિષ્યમાં આવી ભૂલ નહી થાય.

અશોકકુમારનો જવાબ સાંભળી આસિ. કમિશ્નર પણ દ્રવી ઉઠયા હતા જો કે તેમણે કહ્યુ હતુ કે ભવિષ્યમાં મોડુ થવુ ન જોઈએ. અશોકકુમારે લખેલા પત્રની જબરી ચર્ચા છે. જોત જોતામાં આ પત્ર સોશ્યલ મીડીયામાં વાયરલ થઈ ગયો.(૨-૪)

(10:32 am IST)