Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

સાંસદ નીધિની રકમ ખર્ચવામાં અનેક રાજ્યોની આળસઃ ૩૦મીએ અમલ માટેની સમીક્ષા બેઠક

એક તરફ વિકાસ કામો માટે પૈસા નથી ના ગાણા ગાતી હોય છે સરકાર

નવી દિલ્હી, તા. ૨૨ :. આમ તો રાજ્ય સરકારો વિકાસ કાર્યો માટે ભંડોળ ન હોવાના રોદણાઓ રોતી હોય છે પણ સંસદ સભ્યોના ભંડોળના નાણા વાપરવામાં તેમની આળસ દેખાઈ આવે છે. હાલત એવી છે કે ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત ઘણા રાજ્યોમાં ૧૦૦થી પણ વધારે હપ્તાઓ વપરાવાના બાકી છે. આ કારણે કેન્દ્રએ ચિંતા વ્યકત કરીને રાજ્યોને એના ઉપાય વિચારવાનું કહ્યું છે.

સૂત્રોએ જણાવ્યુ છ ેઆ યોજનાની કાર્યવાહીની સમીક્ષા માટે ૩૦ ઓગષ્ટે એક બેઠક બોલાવાઈ છે. જેમાં કેન્દ્ર અને રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે. મીટીંગમાં એમપીલેંડની રકમના બાકી હપ્તાઓ બાબતે ચર્ચા થશે.

એમપીલેંડ હેઠળ દરેક સંસદ સભ્યના લોકસભા મત વિસ્તાર માટે દર વર્ષે પાંચ કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ રકમ અઢી - અઢી કરોડના બે હપ્તામાં અપાય છે. આમ લોકસભાનો કાર્યકાળ પુરો કરનાર સંસદ સભ્યને ૧૦ હપ્તા તથા રાજ્યસભાનો કાર્યકાળ પુરો કરનારને ૧૨ હપ્તા મળે છે. જો કે જીલ્લા પ્રશાસન દ્વારા જરૂરી દસ્તાવેજો રજુ ન થવાના કારણે ઘણા સંસદ સભ્યોના હપ્તા બાકી રહેલા છે.

સૂત્રોએ કહ્યું કે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, દિલ્હી, કેરળ, રાજસ્થાન, ઓરિસ્સા, ગુજરાત અને ઝારખંડ આ દરેક રાજ્યમાં ૧૦૦થી પણ વધારે હપ્તાઓ વપરાયા વગરના છે જે ચિંતાજનક બાબત છે.(૨-૧)

(10:30 am IST)