Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

કેરળ : પૂર પીડિતોની મદદે આવતી સેકસ વર્કર્સ : દાન કર્યા ર૧૦૦૦ રૂપિયા

અહમદનગર, તા. ર૬ : કેરળમાં આવેલા ભયંકર પૂરથી અસરગ્રસ્ત લોકોની મદદ માટે દેશના ખૂણે-ખૂણેથી લોકો સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાની સેકસ વર્કર્સે કેરળમાં પૂર પીડિતોની મદદ માટે હાથ આગળ વધાર્યો છે. આ મહિલાઓએ અસરગ્રસ્તો માટે ર૧ હજાર રૂપિયાનું દાન આપ્યું છે અને તેમની યોજના આ મહિનાના અંત સુધીમાં એક લાખ રૂપિયા એકઠા કરવાની છે. આ મહિલાઓ માટે કામ કરનારા એક NGO ના પદાધિકારીએ આ અંગે જાણકારી આપી છે.

પદાધિકારીએ જણાવ્યું કે, તેમના એક સમૂહે કેરળના પૂરપીડિતો માટે 'પ્રધાનમંત્રી રાહત કોષ' નામનો ર૧ હજાર રૂપિયાનો ચેક સોમવારે રેસિડેન્ટ ડેપ્યુટી કલેટર પ્રશાંત પાટિલને સોંપ્યો. શહેરના NGO 'સ્નેહાલય' અનુસાર દીપક બુરામે જણાવ્યું કે દેહ વ્યાપાર સાથે જોડાયેલી મહિલાઓ કેરળના પૂર પીડિતો માટે મહિનાના અંત સુધી એક લાખ રૂપિયા એકત્ર કરશે. અગાઉ પણ આ મહિલાઓ દેશના જુદા જુદા ભાગોમાં કુદરતી આપત્તિઓની મદદમાં યોગદાન આપી ચૂકી છે.

બુરામે જણાવ્યું કે, ર૦૧૧ના ડિસેમ્બરમાં જયારે ચેન્નાઇમાં ભયાનક પૂર આવ્યું હતું ત્યારે પણ આ મહિલાઓએ ત્યાંના લોકોને એક લાખ રૂપિયાની મદદ મોકલી હતી. તેમણે કહ્યું કે, આ મહિલાઓ ગુજરાતના ભૂકંપ (ર૦૦૧), સુનામી (ર૦૦૪), કાશ્મીર અને બિહારના પૂર, મહારાષ્ટ્રના દુષ્કાળ પીડિતો અને કારગિલ યુદ્ધના નાયકોના પરિવારની મદદમાં કુલ મળીને આશરે ર૭ લાખ રૂપિયા રાહત યોગદાન આપી ચૂકી છે. (૮.૪)

(9:39 am IST)