Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

નવા ગ્રાહક ઉમેરવાના મામલે BSNL અન્યોથી આગળ છે

ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયાને પછડાટ : વર્ષ ૨૦૧૭-૧૮માં નવા ગ્રાહકો ઉમેરવા માટે ટકાવારી બીએસએનએલની સૌથી વધુ ૧૧.૫ ટકા રહી : રિપોર્ટ

નવી દિલ્હી, તા. ૨૧ : ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ૨૦૧૭-૧૮ના ગાળામાં ગ્રાહકોને ઉમેરવાના મામલામાં તે ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરને પાછળ છોડી ચુકી છે. આ તમામ કંપનીઓ કરતા તેનો દેખાવ વધારે શાનદાર રહ્યો છે. ખાનગી સેક્ટરની ટેલિકોમ કંપનીની સરખામણીમાં તેનો દેખાવ વધુ સારો રહ્યો છે. કંપનીનું કહેવું છે કે, આ વર્ષે નેટવર્ક વિસ્તરણ પર ૪૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. નફો મેળવવાની યોજના તૈયાર કરવામાં આવી રી છે. બીએસએનએલના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે માહિતી આપતા કહ્યું છે કે, ૨૦૧૭-૧૮માં બીએસએનએલના ગ્રાહકો ઉમેરવાના મામલામાં ટકાવારી સૌથી વધુ ૧૧.૫ ટકાની રહી છે. ઇન્ડસ્ટ્રીના આંકડા દર્શાવે છે કે, આ ગાળા દરમિયાન ભારતી એરટેલ દ્વારા ૯.૫ ટકા, વોડાફોન દ્વારા ૩.૮ ટકા અને આઇડિયા દ્વારા ૩.૨ ટકાનો ગ્રોથ નોંધાવવામાં આવ્યો છે. શ્રીવાસ્તવનું કહેવું છે કે, છેલ્લા નાણાંકીય વર્ષમાં ૧.૩ કરોડ યુઝર્સ દ્વારા હરીફ કંપનીઓને છોડીને બીએસએનએલ સાથે હાથ મિલાવવાનો નિર્ણય કર્યો છે. આ ગ્રોથ એવા સમયે છે જ્યારે સપ્ટેમ્બર ૨૦૧૬માં જીયોની એન્ટ્રી થયા બાદ ઇન્ડસ્ટ્રીમાં ગ્રાહકો ઉમેરવાને લઇને ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા મુજબ માર્ચ ૨૦૧૮માં બીએસએનએલના વાયરલેસ ગ્રાહકો બેઝ ૧૧.૧૬ કરોડ છે. આ પહેલા ડિસેમ્બર ૨૦૧૭માં ૧૦.૭૯ કરોડ અને માર્ચ ૨૦૧૭માં ૧૦.૧ કરોડનો રહ્યો હતો. આ અવધિમાં માર્કેટ લીડર ભારતી એરટેલમાં ગ્રાહકોની સંખ્યા ૨૭.૩૬ કરોડથી વધીને ૩૦.૮૭ કરોડ થઇ ગઇ હતી. મુકેશ અંબાણીની જીઓની એન્ટ્રીથી એરટેલ સહિત તમામ કંપનીઓના રેવન્યુ તથા નફાને ફટકો પડ્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશન અને તાતા જેવી કંપનીઓને મેદાન છોડી દેવાની ફરજ પડી છે. એરસેલ પોતાને દેવાદાર તરીકે જાહેર કરી ચુકી છે. બીએસએનએલે પણ સ્પર્ધાને લઇને અસર થઇ હોવાની કબૂલાત કરી છે. કંપનીને ૨૦૧૭-૧૮માં પ્રોવિઝનલ અને અનઓડિટેડ તરીકે ૪૭૮૫ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. ૩૧મી માર્ચ ૨૦૧૮ના દિવસે પુરા થયેલા નાણાંકીય વર્ષમાં બીએસએનએલની આવક ઘટીને ૩૭૮૧૮ કરોડ રૂપિયા થઇ ગઇ હતી.

નવા ગ્રાહકો ઉમેરાયા..

નવીદિલ્હી, તા. ૨૧ : નવા ગ્રાહકો ઉમેરવાના મામલામાં બીએસએનએલ ૨૦૧૭-૧૮માં સૌથી આગળ છે. કઇ કંપનીએ કેટલા ગ્રાહકો ઉમેર્યા છે તે નીચે મુજબ છે.

કંપની                        ગ્રાહકોનો ઉમેરો (ટકામાં)

બીએસએનએલ............................................. ૧૧.૫

ભારતી એરટેલ................................................ ૯.૫

વોડાફોન......................................................... ૩.૮

આઇડિયા........................................................ ૩.૨

(7:29 pm IST)