Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ભાજપના નવા પ્રવક્તા મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી કહેતા વિવાદ :ખેડૂત નેતાએ આપ્યો જવાબ : કોંગ્રેસે રાજીનામુ માંગ્યું

રાકેશ ટિકૈતે કહ્યુ -કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરનારા મવાલી નથી, ખેડૂત છે, ખેડૂતો વિશે આવી વાત ના કહેવી જોઇએ, ખેડૂત દેશનો અન્નદાતા

ભાજપના નવા રાષ્ટ્રીય પ્રવક્તા મીનાક્ષી લેખીએ ખેડૂતોને મવાલી કહેતા વિવાદ થયો છે. ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે જવાબ આપ્યો હતો. રાકેશ ટિકૈતે કહ્યુ કે, મવાલી ઘરમાં નહી પરંતુ ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય છે, વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે ખેડૂતો છે.

મીનાક્ષી લેખીએ કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મીનાક્ષી લેખીએ ખેડૂતોની તુલના મવાલીઓ સાથે કરી હતી. મીનાક્ષી લેખીના આ નિવેદન પર રાજકારણ ગરમાયુ છે.

 મીડિયા સાથે વાતચીત કરતા મીનાક્ષી લેખીએ કહ્યુ, તે ખેડૂત નથી મવાલી છે, આ ગુનાહિત ગતિવિધિઓ છે. જે કઇ 26 જાન્યુઆરીએ થયુ તે પણ શરમજનક હતું, તે ગુનાહિત ગતિવિધિઓ હતી, તેમાં વિપક્ષ તરફથી કેટલીક વસ્તુઓ પર ભાર આપવામાં આવ્યો.

 

આ નિવેદન બાદ વિપક્ષે મીનાક્ષી લેખી પર પ્રહાર કર્યા હતા. દિલ્હીમાં 4 વખત ધારાસભ્ય રહી ચુકેલા સીનિયર કોંગ્રેસના નેતા મુકેશ શર્માએ લેખીને પોતાના નિવેદન પર માફી માંગવા કહ્યુ હતું, તેમણે ટ્વીટ કર્યુ, શરમ કરો! મીનાક્ષી લેખી ખેડૂત મવાલી નથી પણ અન્નદાતા છે!! માટે માફી માંગો અથવા રાજીનામુ આપો..

 

કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીના નિવેદન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે અફસોસ વ્યક્ત કર્યો હતો. રાકેશ ટિકૈતે કહ્યુ કે લેખીએ આવુ નિવેદન ના આપવુ જોઇએ. ટિકૈતે કહ્યુ કે કૃષિ કાયદાનું પ્રદર્શન કરનારા મવાલી નથી, ખેડૂત છે, ખેડૂતો વિશે આવી વાત ના કહેવી જોઇએ, ખેડૂત દેશનો અન્નદાતા છે.

સંસદના મૉનસૂન સત્ર દરમિયાન ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે 200 ખેડૂતોનું એક જૂથ ગુરૂવારે મધ્ય દિલ્હીના જંતર મંતર પહોચ્યુ હતું. દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બેજલે 9 ઓગસ્ટ સુધી સંસદ પરિસરથી કેટલાક મીટર દૂર જંતર મંતર પર 200 ખેડૂતોને પ્રદર્શન કરવાની વિશેષ પરવાનગી આપી છે. પોલીસે મધ્ય દિલ્હીની ચારે તરફ સુરક્ષા ઘેરો બનાવીને રાખ્યો છે. વાહનોની અવર જવર પર નજર રાખવામાં આવી રહી છે.

આ પહેલા પ્રદર્શનકારી ખેડૂતોએ સરકાર પર જાસૂસી કરાવવાની શંકા વ્યક્ત કરી હતી. કેન્દ્રએ ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત નેતાઓએ આશંકા વ્યક્ત કરતા કહ્યુ કે સરકાર ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસ દ્વારા તેમની જાસૂસી કરાવી રહી છે, તેમણે આરોપ લગાવ્યો કે જાસૂસી પાછળ સરકાર છે. આ સ્પષ્ટ છે અને આ મુદ્દો ચર્ચામાં છે ત્યારે અમે પણ તેની પર નજર રાખી રહ્યા છીએ.

(7:21 pm IST)