Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

આતંકીઓના હુમલાથી ડર્યા ચીની વર્કરઃ CPEC પ્રોજેકટમાં AK-47 લઈને કરી રહ્યા છે કામ

આતંકવાદીઓએ એન્જિનિયર્સથી ભરેલી બસને ટાર્ગેટ કરી હતી જેમાં ૯ ચીની નાગરિકોના મોત થયા હતા

નવી દિલ્હી, તા.૨૨: સોશિયલ મીડિયામાં પાકિસ્તાનની ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)ની સાઈટની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. અહીં કામ કરી રહેલા ચીની વર્કર ફકત પોતાના ટૂલ્સ જ નહીં પણ AK-47 લઈને તૈનાત છે. તાજેતરમાં પાકિસ્તાનમાં ચીની વર્કર્સને લઈને જઈ રહેલી એક બસ પર આતંકવાદી હુમલો થયો હતો. ત્યાર બાદ પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીની નાગરિકોમાં ડર વ્યાપેલો છે.

પાકિસ્તાનમાં જયાં પણ ચીની વર્કર કામ કરે છે ત્યાં સુરક્ષા હંમેશા તેમના સાથે ઉપસ્થિત હોય છે. તેમ છતા પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં અનેક વખત ચીની નાગરિકોએ સ્થાનિક લોકો અને વિરોધ કરનારાઓના ગુસ્સાનો શિકાર થવું પડે છે.

ચીને કરોડો રૂપિયાનો ખર્ચો કરીને એક સ્પેશિયલ સિકયોરિટી ડિવિઝન (એસએસડી) બનાવ્યું હતું જેનું કામ ફકત પાકિસ્તાનમાં કામ કરી રહેલા ચીની નાગરિકોને સુરક્ષિત રાખવાનું હતું. પાકિસ્તાનને પણ ચીની વર્કર્સની સુરક્ષા સુનિશ્યિત કરવા કહેવામાં આવ્યું હતું પણ અનેક વખત તેમાં અસફળતા મળી છે.

તાજેતરમાં જયારે ચીની વર્કર્સ ભરેલી એક બસને ટાર્ગેટ કરવામાં આવી તેને લઈ અન્ય ચીની વર્કર્સ સતર્ક થઈ ગયા છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તૂનખ્વા ક્ષેત્રમાં એન્જિનિયર્સથી ભરેલી બસને ટાર્ગેટ કરી હતી જેમાં ૯ ચીની નાગરિકોના મોત થયા હતા. ચીને આ હુમલાની તપાસ માટે પાકિસ્તાનમાં એક ટીમ મોકલી છે. આ કારણે જ ખભા પર AK-47 રાખીને કામ કરી રહેલા ચીની એન્જિનિયરની એક તસવીર ચર્ચાનો વિષય બની.

(3:48 pm IST)