Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

આઇટી... જૂના કાયદા પ્રમાણે નોટિસ આપી હવે રાહતનો મલમ લગાડશે

નોટીસની કાયદેસરતા જ જોખમાય તેમ હોવાથી સળવળાટ

મુંબઇ તા. ૨૨ : ઇન્કમટેકસમાં નવો કાયદો લાગુ થવા છતાં જૂના કાયદા પ્રમાણે નોટિસ આપ્યા બાદ હવે ભેખડે ભેરવાયા જેવી સ્થિતિ સર્જાઇ છે. કારણ કે, આપવામાં આવેલી નોટિસ સંદર્ભે કરદાતાઓએ કોર્ટ કાર્યવાહી કરતા હવે સીબીડીટી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસ) એ તેમાં કરદાતાઓને રાહત આપવા માટેની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી છે. જેથી આગામી થોડા દિવસોમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી પણ શકયતા જાણકારોએ વ્યકત કરી છે.

એક એપ્રિલ ૨૦૨૧થી ઇન્કમટેકસમાં નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. તેમાં ૫૦ લાખની આવક છુપાવી હોય અન તેને લગતા પૂરતા પુરાવા આઇટી પાસે હોય તો જ કરદાતાના પાછલા ૧૦ વર્ષના કેસ એસેસમેન્ટ કરવાની નોટિસ આપી શકાય છે. જયારે ત્રણ વર્ષ જૂના જ કેસ રિઓપન કરવાની સત્તા આપવામાં આવી છે. તેમ છતાં એક એપ્રિલ ૨૦૨૧ બાદ વર્ષ ૨૦૧૫-૧૬, ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના કેસ રિઓપન કરીને કરદાતાને નોટિસ આપી છે. આવી નોટિસ સુરતમાં જ ૩ હજાર કરદાતાને આપતા ૧૦થી વધુ કરદાતાઓએ કોર્ટ કાર્યવાહી કરીને નોટિસની કાયદેસરતાને પડકારી છે. આજ પ્રમાણેની નોટિસ સમગ્ર દેશમાં પણ આપવામાં આવતા મોટાભાગના કિસ્સામાં કોર્ટ કાર્યવાહી શરૂ કરી છે. તેના કારણે સીબીડીટીએ વિચારણા કરીને નોટિસ દફતરે કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

  • જૂના કાયદા પ્રમાણેની નોટીસ ધરાર ગેરકાયદે

આ અંગે સીએ વિરેશ રૂદલાલે જણાવ્યું હતું કે, નવો કાયદો લાગુ થયા બાદ પણ જૂના કાયદા પ્રમાણે નોટીસ આપવી ધરાર ગેરકાયદે ગણાય છે તેમ છતાં ઇન્કમટેકસ વિભાગે નોટીસ આપતા કરદાતાઓએ કોર્ટમાં જ જવાની સ્થિતિ વિભાગે ઉભી કરી છે. જ્યારે વિભાગને હવે પોતાની ભૂલ સમજાતા તેમાં સુધારો કરવાની કાર્યવાહી શરૂ કરી છે જેથી આગામી થોડા દિવસોમાં કરદાતાને રાહત મળવાની શકયતા નકારી શકાય તેમ નથી કારણ કે ફાયનાન્સ એકટ ૨૦૨૧ લાગે કે ૨૦૨૦ લાગે તે નક્કી કરવાની સત્તા સરકાર કે બોર્ડ પાસે હોતી નથી આના પર જ કોર્ટમાં કરદાતા જીતી જાય તેમ છે.

(10:24 am IST)