Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

યોગી સરકારને સુપ્રિમકોર્ટે લગાવી ફટકાર : વિકાસ દુબે જેવું એન્કાઉન્ટર ફરી ન થાય તેનું ધ્યાન રાખો

એક સપ્તાહમાં તપાસ શરુ કરવા આદેશ: આટલા બધા ગુન્હા હતા છતાં જમીન કેમ મળ્યા ?

નવી દિલ્હી : કાનપુરના હિસ્ટ્રrશીટર વિકાસ દુબે એન્કાઉન્ટર અને બિકરુ ગામની ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઇ. જેમાં કોર્ટે યુપીની યોગી સરકારને કડક સુચના આપી કે વિકાસ દુબે જેવી ઘટના ફરી ન થાય તે જોવાનું રાજ્ય સરકાર ધ્યાન રાખે. કોર્ટે તાકીદ પણ કરી કે એક રાજ્ય તરીકે તમારે કાયદાનું શાસન જળવાઇ રાખવું પડશે આવું કરવું તમારી ફરજ પણ છે.
  આ સાથે ચીફ જસ્ટિસ એસએ બોબડેના વડપણ હેઠળની બેંચે એન્કાઉન્ટર કેસની તપાસ માટે સમિતિને મંજૂરી આપી દીધી છે. આ સમિતિ જસ્ટિસ બીએસ ચૌહાણના નેતૃત્વમાં તપાસ કરશે. સમિતિમાં પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તાને પણ સામેલ કરાયા છે. સુપ્રીમ કોર્ટે સમિતિને બે મહિનાની અંદર તપાસ પુરી કરવાનો આદેશ પણ આપ્યો છે.

 સુપ્રીમ કોર્ટે યુપીની યોગી સરકારને આ મામલે આગામી એક સપ્તાહમાં તપાસ શરુ કરવા અને બે મહિનામાં તપાસ પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મેહતા યુપી સરકારનો પક્ષ રાખી રહ્યા છે. તેમણે સરકારનું સોગંદનામું સુપ્રીમમાં રજુ કર્યું હતું. જેમાં જસ્ટિસ બીએસ ચૌહાણ અને પૂર્વ ડીજીપી કેએલ ગુપ્તાને તપાસ સમિતિમાં સામેલ કરવાનું કહેવામાં આવ્યું છે.

 

 

યુપી સરકારને સોગંદનામા પર વિચાર કરતા ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે જણાવ્યું કેમેં પણ જસ્ટિસ બીએસ ચૌહાણ સાથે ઘણા કેસોમાં સુનાવણી કરી છે. મેં પણ તપાસ સમિતિ માટે તેમના નામનું જ સુચન કર્યું હોત

અગાઉ સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના સીટિંગ જજને તપાસ સમિતિમાં સામેલ કરી શકાય નહીં. ત્યાર બાદ યુપી સરકારે ફરીથી તપાસ સમિતિની રચના અંગે સંમત્તિ દર્શાવી હતી અને બે દિવસમાં તે અંગે જાહેરનામુ કોર્ટમાં રજુ કરવા ખાતરી આપી હતી.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે વિકાસ દુબે સામે આટલા બધા કેસ હોવા છતાં તેને જામીન કેવી રીતે અપાયા? કોર્ટે તે સાથે યુપી સરકાર પાસેથી વિકાસ વિકાસ દુબેનો રેકોર્ડ માંગ્યો હતો.સાથે જણાવ્યું હતું કે આટલા ગંભીર ગુનાના અનેક કેસ નોંધાયા હોવા છતાં વિકાસ દુબે કેમ જેલની બહાર હતો. આ સિસ્ટમની નિષ્ફળતા છે.

(7:23 pm IST)