Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

કોરોનાઃ નોબેલ પુરસ્કાર સમારોહ રદઃ ટ્રમ્પે કહ્યું : સ્થિતિ વધુ ખરાબ થશે

દેશ અને દુનિયામાં કોરોના મહામારીની સ્થિતિ પહેલાથી વધુ ખરાબ થવા જઈ રહી છે

વોશિંગટન, તા.૨૨: કોરોના સંક્રમણએ અમેરિકા, બ્રાઝીલ અને ભારતને ખરાબ રીતે પોતાની પકડમાં લઈ લીધા છે. મંગળવારે પણ દુનિયાભરમાં સંક્રમણના ૨ લાખ ૩૯ હજાર નવા કેસ સામે આવ્યા છે જયારે ૫૬૦૦થી વધુ લોકોનાં તેના કારણે મોત થયા છે. કોરોના મહામારીના કારણે નોબેલ પુરસ્કારનો વાર્ષિક સમારોહ ૬૦ વર્ષમાં પહેલીવાર રદ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ, કોરોના જાતે જતો રહેશે તેવો દાવો કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે દેશ અને દુનિયામાં કોરોના મહામારીની સ્થિતિ પહેલાથી વધુ ખરાબ થવા જઈ રહી છે.

ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકામાં કોરોના મહામારીની સ્થિતિ હજુ વધુ ખરાબ થશે, જોકે આશા છે કે ટૂંક સમયમાં સ્થિતિ સુધરવા લાગશે. કોરોનાની રોજેરોજની પ્રેસ બ્રીફિંગની ફરીથી શરૂઆત કરતાં ટ્રમ્પે તમામ અમેરિકોને ફેસ માસ્ક પહેરવાની અપીલ કરી અને કહ્યું કે તેની અસર થશે.

રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે પ્રેસ સાથે વાતચીત દરમિયાન પોતે માસ્ક નહોતો પહેર્યો અને આ પહેલા તેઓ આ પ્રકારના તકેદારીના પગલાની મજાક ઉડાવીને ટીકાનો શિકાર પણ બન્યા છે. ટ્રમ્પના સલાહકારોએ તેમને આ મામલામાં નવો અભિગમ અપનાવવા માટે કહ્યું છે કારણ કે સમગ્ર અમેરિકામાં કોરોના મામલા ફરી તેજીથી વધી રહ્યા છે.

નોંધનીય છે કે, એપ્રિલમાં આવા પ્રકારની પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું હતું કે લોકોમાં ડિસઇન્ફેકટેડનું ઇન્જેકશન આપીને કોરોનાની સારવાર કરવામાં આવી શકે છે. ત્યારબાદ થયેલી ટીકાથી પરેશાન થઈને તેઓએ તેને બંધ કરી દીધી હતી.  નોબેલ પુરસ્કાર સમારોહ રદઃ કોરોના મહામારીના કારણે નોબેલ પુરસ્કારનો વાર્ષિક સમારોહ રદ કરી દેવામાં આવ્યો છે. ૬૦ વર્ષ બાદ આવું પહેલીવાર થયું છે જયારે નોબલ પુરસ્કારનું આયોજન નહીં કરવામાં આવે.

(11:15 am IST)