Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

GSLV માર્ક-૩ રોકેટ દ્વારા ચંદ્રયાન-૨ની સફળ લોંચિંગ

વધુ પેલોડની ક્ષમતા હોવાથી બાહુબલી નામ અપાયું : માનવ કાર્યક્રમ ગગનયાન માટે બાહુબલીનો ઉપયોગ થશે

શ્રીહરિકોટા, તા. ૨૨ : બાહુબલી જીએસએલવી માર્ક-૩થી સફળ લોંચ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચાર ટન સુધીના પેલોડ લઇ જવામાં સક્ષમ હોવાના કારણે આને બાહુબલી નામ આપવામાં આવ્યું છે. બાહુબલી ગણાતા જીએસએલવી માર્ક-૩ રોકેટે જીસેટ-૨૯ અને જીસેટ-૧૯ ઉપગ્રહોને પણ સફળરીતે લોંચ કર્યા હતા.

અંતરિક્ષ સંસ્થાએ આજ રોકેટનો ઉપયોગ કરીને ક્રુ મોડ્યુઅલ વાયુમંડળીય ફેર પ્રવેશ પરીક્ષણ (કેયર)ને સફળતાપૂર્વક અંજામ આપ્યા બાદ આજે વધુ એક સફળતા હાંસલ કરી હતી. ઇસરોના વડા સિવનના કહેવા મુજબ અંતરિક્ષ સંસ્થા ડિસેમ્બર ૨૦૨૧ માટે નક્કી કરવામાં આવેલા  નિર્ધારિત માનવ મિશન માટે પણ જીએસએલવી માર્ક-૩ રોકેટનો જ ઉપયોગ કરશે. ગગનયાન કાર્યક્રમને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે. ઇસરોના શિવનના કહેવા મુજબ માનવ અંતરિક્ષ ઉંડાણ કાર્યક્રમ ગગનયાનને લઇને જાહેરાત થઇ ગયા બાદ ઇસરોના વૈજ્ઞાનિકો દિનરાત મહેનત કરી રહ્યા છે અને આના ઉપર પણ સફળરીતે તમામ પ્રક્રિયાને પૂર્ણ કરી લીધા બાદ આગળ વધવામાં આવશે.

(7:35 pm IST)