Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

કેન્દ્ર સરકારની ૪૯ સરકારી પ્રેસને બંધ કરવા તથા ૩પ૬ તાલીમ સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવવા તૈયારી

નવી દિલ્હી, તા. રર : કેન્દ્ર સરકાર લગભગ ૪૯ સરકારી પ્રેસને બંધ કરવા તેમજ ૩પ૬ તાલીમ સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવવા માટે તૈયારી કરી રહી છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં સચિવોના ક્ષેત્રીય સમૂહની એક બેઠકમાં નિર્ણય  લેવાયો હતો કે કેન્દ્ર સરકાર હસ્તકના ૯૦ પ્રિન્ટીંગ પ્રેસ જૂની મશીનરી તેમજ મર્યાદીત માનવશકિતને કારણે સંકટમાં છે તેમજ તેમાંથી ૪૯ પ્રિન્ટીંગ પ્રેસને બંધ કરી દેવા જોઇએ.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન ખર્ચ ઘટાડવા, નિરર્થક કાયદાઓને દૂર કરવા અને સ્વાયત્ત સંસ્થાઓને મર્જ કરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતાં.

સચિવોના એક જૂથે અનેક પ્રેસ એકમો બંધ કરવાની ભલામણ કરી હતી અને તે દિશામાં કેટલાક પગલા પણ ભરવામાં આવ્યા હતા. આમાંથી ઘણા એકમો શહેરોમાં પ્રાઇમ પ્રોપર્ટી છે અને તેને સરકારી સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કુલ ૯૦ સરકારી પ્રેસમાંથી લગભગ ૪૯ જેટલા સરકારી પ્રેસ બંધ થવા જોઇએ. આશા રાખવામાં આવી છે કે આમાંથી ૩૧ સરકારી પ્રેસને કાર્યરત રખાશે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી ટંકશાળ, રાષ્ટ્રપતિ ભવન ખાતે પ્રકાશન એકમ, બજેટ પ્રકાશિત કરવા માટે નોર્થ બ્લોકમાં આવેલ એકમ અને વિવિધ અન્ય દસ્તાવેજો, સામાજિક લ્યાણ અને ન્યાય માટેના વિશેષ સરકારી પ્રેસને કાર્યરત રાખવામાં આવશે.

(4:09 pm IST)