Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

હરીયાણામાં ગાય હવે વાછરડીઓને જ જન્મ આપશે !

આ વર્ષે અઢી લાખ ગાયોનું લક્ષ્યાંકઃ ઉપયોગી નસલ વધારવા ઉપર જોર

ચંદીગઢ, તા., રરઃ  હરીયાણામાં ગાય હવે કૃત્રિમ ગર્ભધાનની મદદથી વાછરડાઓના બદલે માત્ર વાછરડીઓને જ પેદા કરશે. પશુપાલન વિભાગે આ યોજના સફળ ટ્રાયલ બાદ લાગુ કરી છે. વાછરડા હરીયાણાના લોકો માટે મુસીબત બની ગયા છે માત્ર ઉભા પાકને ઉજાડી નાખવાની સાથે રાહદારીઓ માટે પણ માથાના દુઃખાવારૂપ બની ગયા છે.

 

અગાઉ બળદના રૂપમાં તેમનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ હવે વધુ પડતી ખેતી ટ્રેકટરથી થવા લાગી છે એટલે લોકો વાછરડાઓને રખડતા છોડી દે છે. જો કે સરકારે થોડા સમય પહેલા વાછરડાની સમસ્યાના સમાધાન માટે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજયોમાં જયાં ખેતીમાં બળદનો ઉપયોગ થાય છે ત્યાં મોકલવાની યોજના બનાવી હતી. પરંતુ આ યોજના સફળ થઇ ન હતી.

જુની યોજનાઓની નિષ્ફળતા બાદ સરકારે કૃત્રિમ ગર્ભધારણના માધ્યમથી માત્ર વાછરડીઓને જ જન્મ આપવાની યોજના આગળ વધારી છે. વર્ષ ર૦૧૯-ર૦માં લગભગ અઢી લાખ ગાયોના કૃત્રિમ ગર્ભધારણનંુ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. હજુ સુધી વિભાગ દ્વારા ૬૯ હજારથી વધુ કૃત્રિમ ગર્ભધારણ માટે સીમન ખરીદી પ્રદેશભરની પશુ હોસ્પીટલોમાં પહોંચાડવામાં આવ્યા છે. આ પૈકી ૧રહજાર ગાયોને કૃત્રિમ ગર્ભધારણ પણ કરી દેવામાં આવ્યું છે.

હરીયાણા પશુધન વિકાસ બોર્ડના મુખ્ય નિર્દેશક ડો.વિરેન્દ્રસિંહના કહેવા મુજબ સરકાર દ્વારા વાછરડા અને બળદોની સંખ્યા ઓછી કરી દુધાળા પશુઓના ઉત્પાદન ક્ષમતા વધારવા માટે અઢી લાખ સેકસ સીમન ખરીદવામાં આવ્યા છે. આમાંથી ૧.રપ લાખ શાહીવાલ ગાય, થાર ફાઇકર અને હરીયાણા નસલની ગાયો છે.  પશુ ડોકટર ડો.ભારત ભુષણનું કહેવું છે કે પશુ પાલન માટે નર પશુઓની ઉપયોગીતા ન હોવાને કારણે તેમને રખડતા છોડી દેવામાં આવે છે જયારે માદાના મામલામાં જયારે તે દુધ દેવાનું ઓછુ કે બંધ કરી દે છે ત્યારે તેને તરછોડી દેવામાં આવે છે.

(4:00 pm IST)