Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

યુનિ. કર્મચારીના બેન્ક ખાતામાં ભૂલથી ૬ લાખ જમા થતાં બોલ્યો, વડા પ્રધાને પહેલો હપ્તો મોકલ્યો

નવી દિલ્હી તા. રર :.. એકસરખા નામના કારણે યુપીની એક યુનિવર્સિટીના કર્મચારીના બેન્ક અકાઉન્ટમાં ભૂલથી જમા થઇ ગયેલા પૈસા આ કર્મચારીએ એમ કહીને પાછા આપવાની ના પાડી દીધી છે કે, મોદીજીએ લોકોને ૧પ લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો અને મારા બેન્ક અકાઉન્ટમાં પહેલો હપ્તો જમા થયો છે.

પૈસા પાછા આપવાની ના પાડનારા કર્મચારીને યુનિવર્સિટીના તંત્રે સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરી છે. યુપીની હરકોર્ટ બટલર ટેકિનકલ યુનિવર્સિટીના પ્રોફેસર પ્રદીપકુમારને કન્સલટન્સી પેટે એક કંપની પાસેથી ૬.૩૮ લાખ રૂપિયા લેવાના નીકળતા હતાં. જો કે આ રકમ એક જ પ્રકારનું નામ હોવાથી ચોથા વર્ગના કર્મચારી પ્રદીપકુમારના બેન્ક અકાઉન્ટમાં જમા થઇ ગઇ હતી.

યુનિવર્સિટીએ કર્મચારીને રકમ પાછી આપવાનું કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, આ રકમ તો મારા અકાઉન્ટમાં મોદીજીએ મોકલાવી છે. એવું કહેવાય છે કે, પૈસા જમા થયા બાદ પ્રદીપકુમારે બીજા જ દિવસે ૪.૩પ લાખની રકમ ઉપાડીને વાપરી કાઢી હતી. હવે પૈસા પાછા આપવાની ના પાડનાર કર્મચારીનું બેન્ક અકાઉન્ટ યુનિવર્સિટીએ સિઝ કરાવી દીધું છે.

(11:44 am IST)