Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અમરનાથ યાત્રા : ૨૦ દિનમાં ૨૨ શ્રદ્ધાળુઓના મોત થયા છે

ઘણી જગ્યાએ ઓક્સિજનની કમી થતાં તકલીફ : છેલ્લા ૨૦ દિવસના ગાળામાં ૨.૪૦ લાખથી વધુ શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે : શ્રદ્ધાળુનો નવો કાફલો રવાના થયો

જમ્મુ,તા. ૨૧ : વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં અભૂતપૂર્વ ઉત્સાહ વચ્ચે જારી છે. શ્રદ્ધાળુઓનો નવો કાફલો આજે રવાના કરવામાં આવ્યો હતો. જુદા જુદા વાહનોમાં આ કાફલો રવાના કરવામાં આવ્યો હતો. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી આ વર્ષે હજુ સુધી ૨૨ લોકોના મોત થઇ ચુક્યા છે જેમાં ૧૮ શ્રદ્ધાળુઓ, બે સેવા કરનાર કર્મીઓ અને બે સુરક્ષા કર્મી સામેલ છે. છેલ્લા ચાર દિવસના ગાળામાં છ શ્રદ્ધાળુઓના મોત થયા છે. ૩૦ શ્રદ્ધાળુ યાત્રા માર્ગ ઉપર પથ્થરો પડવાના કારણે ઘાયલ થયા છે. આ વખતે યાત્રાના આધાર કેમ્પ ખાતે એફએમ રેડિયો સ્થાપિત કરવામાં આવ્યો છે જેના કારણે હવામાન અંગેની માહિતી પણ મળી શકશે. અમરનાથ યાત્રા રુટ ખુબ જ જટિલ છે. કેટલીક જગ્યાએ ઓક્સિજનની કમી હોવાના કારણે યાત્રીઓ એટેકના શિકાર થાય છે. યાત્રા માટે આરોગ્ય પ્રમાણપત્ર જરૂરી હોવા છતાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓના મોત થયા છે. હવામાનની અનુકુળતા અને પવિત્ર ગુફામાં બાબા બર્ફાની વિરાજમાન હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પુરૂષોની સાથે સાથે મહિલાઓ અને બાળકો પણ જોરદાર રીતે પહોંચી રહ્યા છે. અમરનાથ યાત્રાના મહત્વને લઇને આ બાબતથી અંદાજ લગાવી શક્યા છે કે આ વખતે કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ પોતે કાશ્મીર પહોંચ્યા હતા. અને સુરક્ષા પાસાની ચકાસણી કરી હતી. આ વખતે અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. આશરે ૪૦ હજાર સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કાશ્મીર ખીણ માટે જુદા જુદા વાહનોમાં શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. ભગવતી નગર યાત્રી નિવાસથી તમામ શ્રદ્ધાળુઓ રવાના થયા હતા. અમરનાથ યાત્રાના પ્રથમ ૨૦ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૪૦ લાખ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. શ્રદ્ધાળુઓનો આંકડો હજુ પણ ઝડપથી વધી રહ્યો છે. મોટી ટુકડીઓમાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા છે.  આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટીમ રવાના કરવામાં આવી હતી. કાશ્મીર ખીણ માટે શ્રદ્ધાળુઓની નવી ટુકડી આજે સઘન સુરક્ષા વચ્ચે રવાના કરવામાં આવી હતી.  આ વખતે આતંકવાદી હુમલાની દહેશતને ધ્યાનમાં લઇને સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. અમરનાથ યાત્રામાં અનેક પ્રકારની અડચનો આવી રહી છે છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાખો શ્રદ્ધાળુઓ પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. જુદા જુદા કાફલામાં શ્રદ્ધાળુઓને રવાના કરવામાં આવી રહ્યા  છે. અમરનાથ યાત્રા સાનુકુળ રીતે આગળ વધી રહી છે.અમરનાથ યાત્રાને લઇને શ્રદ્ધાળુઓ વર્ષથી રાહ જોતા રહે છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ પવિત્ર અમરનાથ  ગુફામાં કુદરતીરીતે બનતા શિવલિંગના દર્શન કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં ત્રાસવાદી હુમલાની કોઇ દહેશત દેખાઇ રહી નથી. સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ રાખવામાં આવી છે. વિતેલા વર્ષોમાં હુમલા થઇ ચુક્યા છે જેથી આ વખતે વિશેષ સુરક્ષા રાખવામાં આવી રહી છે. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો આ વખતે ખુબ ઉપર પહોંચી શકે છે.  ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં આગળ વધી રહી છે. પહેલી જુલાઇના દિવસે અમરનાથ યાત્રા શરૂ થઇ હતી.

બાલતાલમાં એફએમ રેડિયો સ્થાપિત........

હવામાન અંગે શ્રદ્ધાળુને માહિતી

શ્રીનગર, તા. ૨૧ : અમરનાથ યાત્રામાં આ વખતે શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઇને વધારાના પગલા પણ લેવામાં આવ્યા છે જેના ભાગરુપે આ વખતે યાત્રામાં આધારકેમ્પ બાલતાલમાં એફએમ રેડિયોની સુવિધા ઉભી કરવામાં આવી છે જેના ભાગરુપે શ્રદ્ધાળુઓને ભજન સંભળાવવાની સાથે સાથે હવામાનના સંદર્ભમાં પળ પળની માહિતી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં શ્રદ્ધાળુઓને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, યાત્રા માર્ગ પર પોતાના આરોગ્યની કાળજી કઇ રીતે કરવામાં આવે. કારણ કે, અનેક જટિલ રસ્તાઓ એવા છે જ્યાં ઓક્સિજનની કમી હોય છે જેના કારણે કેટલાક લોકો હાર્ટએટેકનો શિકાર દર વર્ષે થતાં રહે છે.

(12:00 am IST)