Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

ડિસેમ્બર મહિનામાં ઊંઝા ખાતે ઉમિયા માતાના મંદિરમાં લક્ષચંડી હવનનું ભવ્ય આયોજન : દસ લાખ પાટીદારો ઉમટી પડશે : ઉમીયા માતાના સાનિધ્યમાં પાટીદાર સમાજનું જબરજસ્ત શક્તિ પ્રદર્શન

અમદાવાદ : આગામી ડિસેમ્બર મહિનામાં ઊંઝા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરમાં લક્ષ ચંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. દાતા સન્માનના કાર્યક્રમમાં આ વિગતો આપવામાં આવી હતી.

 દસ લાખથી વધુ પાટીદારોને નિમંત્રણ આપવામાં આવશે. કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીના મંદિરમાં ભવ્યાતિભવ્ય લક્ષ ચંડી હોમ-હવન દરમિયાન ૨૦૦ કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. વિશ્વભરમાંથી પાટીદારો ઉમટી પડશે. એક લાખ ચંડીપાઠ કર્યા પછી શોભાયાત્રા અને હોમ હવન નું આયોજન કરવામાં આવ્યું છે.

 ૧૮ થી ૨૨ ડિસેમ્બર સુધી ઊંઝામાં દસ લાખથી વધુ પાટીદારો ઉમટી પડશે. આ માટે ૫૦હજાર કરતા વધુ નિમંત્રણ કાર્ડ પાટીદાર સમાજમાં વિતરણ કરવામાં આવશે. ૮૦૦ વીઘા જમીનમાં મંડપ બાંધવામાં આવશે અને 80 ફૂટ ઊંચાઈનો યજ્ઞશાળા પણ બાંધવામાં આવશે. એક હજારથી વધુ પંડિતો દ્વારા હોમ કરવામાં આવશે અને ૧૦૮ કુંડી હવન કુંડ બનશે. રોજના પચાસ હજાર માણસો એક સાથે જમી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ હવનમાં પ્રત્યેક જ્ઞાતિ પોતાનો પાટલો અને યજ્ઞકુંડમાં હવન કરી ઉમિયાજી ના આશીર્વાદનો લાભ લેશે. 

આ લક્ષ ચંડી યજ્ઞ દ્વારા એકત્ર થનાર ૨૦૦ કરોડ રૂપિયા સોલા અમદાવાદ ખાતેના માં ઉમિયા ધામમાં ખર્ચ કરવામાં આવશે. અહીં મંદિર સાથે પાટીદાર બાળકોના અભ્યાસ અને ઉત્થાન માટે હોસ્ટેલ સહિતની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

 ડિસેમ્બર મહિનામાં પાટીદાર સમાજ ઉમીયા માતાના સાનિધ્યમાં જબરજસ્ત શક્તિ પ્રદર્શન કરશે તેમ પણ આ તકે કહી શકાય.

(12:54 am IST)