Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

અયોધ્યામાં ભગવાન રામની 153 મીટર ઊંચી પ્રતિમા બનાવાશે

અયોધ્યામાં નદીના વિવિધ ઘાટ અને રામની પૈડીના બ્યુટિફિકેશનનું કામ ચાલુ : દીપોત્સવમાં વિદેશી અતિથિઓને પણ આમંત્રિત કરાશે

લખનૌ :ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અયોધ્યામા ભગવાન રામની 153 મીટર ઉંચી પ્રતિમા બનાવશે. ફૈઝાબાદમાં પર્યટન મંત્રી રીતા બહુગુણા જોશીના જણાવ્યા મુજબ યોજના તૈયાર છે અને મુખ્યમંત્રી યોગી ટૂંક સમયમાં જ પ્રતિમાનું ખાતમુહુર્ત કરશે

  રીટા બહુગુણાએ વધુમાં જણાવ્યું હતું કે  અયોધ્યામાં લગભગ 300 કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કાર્યો હાલ ચાલી રહ્યા છે. અયોધ્યામાં નદીના વિવિધ ઘાટ અને રામની પૈડીના બ્યુટિફિકેશનનું કામ જારી છે.

   એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા રીતા બહુગુણા જોશીએ કહ્યું કે આ વખતે દીપોત્સવમાં વિદેશી અતિથિઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. ગત વખતે આયોજન ઉતાવળે કરવામાં આવ્યું હતું પરંતુ આ વખતે ભવ્ય અને અલૌલિક છટાથી દીપોત્સવ ઉજવાશે.જોશીએ દાવો કર્યો કે તેમના કાર્યકાળ દરમિયાન પ્રવાસન ક્ષેત્રમા ઉત્તર પ્રદેશની સ્થિતિ સુધરી છે. કુંભ મેળાના કારણે અલ્હાબાદ, વારાણસી અને લખનૌમાં પ્રવાસ વિસ્તર્યું છે. કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે.

 અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને ગત મહિને દિગંબર અખાડાના મહંત સુરેશ દાસજી મહારાજ, ઉદાસીન સંગત ઋષિ આશ્રમના મહંત ભરત દાસજી મહારાજ સહિત અયોધ્યાના ઘણા સંતોએ લખનૌમાં મુખ્યમંત્રી યોગી સાથે મુલાકાત કરી હતી.

(9:20 pm IST)