Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

મે મહિના સુધી નવ માસમાં ૪૪ લાખ લોકોને રોજગારી

સંગઠિત ક્ષેત્રમાં રોજગાર મળ્યા છે : ઇપીએફઓ : સપ્ટેમ્બર ૨૦૧૭થી એપ્રિલ ૨૦૧૮ વેળા નવા નોંધાયેલ સભ્યોની સંખ્યાનો અંદાજ ઘટ્યો : આંકથી મોદીને રાહત

નવીદિલ્હી,તા. ૨૨ : રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઇપીએફઓના પેરોલ ડેટા સૂચન કરે છે કે, સપ્ટેમ્બર ૨૦૧૭થી આ વર્ષે મે મહિના સુધી ૪૪૭૪૮૫૯ જેટલી નોકરીની તકો સર્જાઈ છે. મે મહિના સુધી માત્ર મે મહિનાના ગાળામાં ૪૪ લાખ લોકોને સંગઠિત ક્ષેત્રમાં નોકરી મળી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઇપીએફઓ દ્વારા આ મુજબની વાત કરવામાં આવી છે. જો કે, સંગઠને સપ્ટેમ્બર ૨૦૧૭થી એપ્રિલ ૨૦૧૮ના ગાળા દરમિયાન નવા નોંધાયેલા સભ્યોની સંખ્યાનો અંદાજ ૪૧૨૬૧૩૮થી ઘટાડીને ૩૭૩૧૨૫૧ કર્યો છે. ઇપીએફઓ દ્વારા શુક્રવારના દિવસે આ સંદર્ભમાં આંકડા જારી કરવામાં આવ્યા હતા. આંકડા મુજબ છેલ્લા ૮ મહિનાના ગાળામાં મે મહિનામાં સૌથી વધુ ૭૪૩૬૦૮ નવા સભ્યો જોડાયા છે. આમાથી સૌથી વધુ ૨૫૧૫૨૬ સભ્યો ૧૮થી ૨૧ વર્ષની વયના છે. આવી જ રીતે આમા ૨૨-૨૫ વર્ષની વયના ૧૯૦૦૯૯ સભ્યો છે. સંગઠનનું કહેવું છે કે, આ શરૂઆતી આંકડા છે. કારણ કે, કર્મચારીઓના આંકડાની એક ગણતરી સતત ચાલનાર પ્રક્રિયા છે. આ પ્રકારના આંકડામાં એવા કર્મચારી પણ સામેલ થઇ શકે છે જેમને અસ્થાયી નોકરી મળી છે. સમગ્ર વર્ષના આંકડામાં આ પ્રકારના લોકો બહાર રહી શકે છે. મે મહિનામાં સૌથી વધુ સંખ્યા ઉમેરાઈ જવા માટે પણ ઘણા કારણો જવાબદાર દેખાઈ રહ્યા છે. પેરોલના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, આ ડેટા પ્રાથમિક તબક્કાના છે. કારણ કે, કર્મચારીઓના રેકોર્ડ અવિરતપણે વધે છે. મહિનાઓમાં તેમાં વધારો થયા છે. એજવાઈસ બેન્ડ માટે અંદાજ નેટ આંકડાનો છે. ઇપીએફઓ ઓર્ગેનાઇઝ્ડ-સેમી ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં વર્કરોના સોશિયલ સિક્યુરિટી ફંડને મેનેજ કરે છે. તેના દ્વારા ત્રણ સામાજિક સુરક્ષા યોજના ચલાવવામાં આવે છે જેમાં એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ સ્કીમ ૧૯૫૨, એમ્પ્લોઇઝ ડિપોઝિટ લિંક્ડ સ્કીમ ૧૯૭૬ અને એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ ૧૯૯૫નો સમાવેશ થાય છે. તેના દ્વારા છ કરોડથી વધુ સભ્યોના એકાઉન્ટ મેનેજ કરવામાં આવે છે. આ ઉપરાંત ઇપીએફઓ દ્વારા ૧૦ લાખ કરોડથી વધુના ફંડને મેનેજ કરવામાં આવે છે. આ વર્ષની શરૂઆતમાં ઇપીએફઓ દ્વારા તેના સત્તાવાર પોર્ટલ ઉપર પેરોલના ડેટાને અપડેટ કરવાની પ્રથા શરૂ કરી હતી. આ બોડીએ અગાઉના તેના પેરોલના ડેટાના અંદાજને પણ ઘટાડી દીધો છે. ઇપીએફઓ પેરોલના ડેટા ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે, રોજગારીના મુદ્દા ઉપર જોરદાર ચર્ચા હાલમાં છેડાયેલી છે. ચર્ચાઓમાં રોજગારીની સમસ્યા સર્જાયેલી છે અને બેરોજગારી વધી રહી છે તેવા આંકડા અપાઈ રહ્યા છે.

(8:18 pm IST)