Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

માત્ર જુમલાબાજીથી ખેડૂતોની આવક બે ગણી થઇ શકશે નહીં

૧૪ ટકા કૃષિ વિકાસદર વગર શક્ય નથી : મનમોહન : કોંગ્રેસ કારોબારીની મિટિંગમાં મનમોહનસિંહના પ્રહારો

નવીદિલ્હી,તા. ૨૨ : પોતાના મૌનના કારણે વિરોધીઓની ટિકા ટિપ્પણીનો સામનો કરી રહેલા પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહનસિંહે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ કારોબારી કમિટિની બેઠકમાં મનમોહનસિંહે મોદી ઉપર પ્રહારો કર્યા હતા. પૂર્વ વડાપ્રધાને ખેડૂતોની આવકને બે ગણી કરવાના વચન ઉપર કહ્યું હતું કે, કૃષિમાં ૧૪ ટકાનો વિકાસ દર હાંસલ કર્યા વગર આ બાબત શક્ય દેખાતી નથી. રાહુલ ગાંધી દ્વારા આજે કોંગ્રેસ કારોબારીની હાલમાં જ રચવામાં આવેલી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક અંગે માહિતી આપતા કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું હતું કે, મનમોહનસિંહે વિકાસ માટે મજબૂત પોલિસી ફ્રેમવર્ક બનાવવાના બદલે મોદી ઉપર પ્રહારો કર્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, બેઠકમાં રાહુલ ગાંધીએ પીડિતોના હકમાં લડવા અને અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસના કાર્યકરોને અપીલ કરી હતી. બીજી બાજુ મનમોહનસિંહે ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકને બે ગણી કરવાના મોદી સરકારના વચન ઉપર ટિપ્પણી કરી હતી. મનમોહનસિંહે કહ્યું હતું કે, જો ૨૦૨૨ સુધી અમે ખેડૂતોની આવકને બે ગણી કરવાની ઇચ્છા છે તો કૃષિમાં ૧૪ ટકાનો વિકાસ દર હાંસલ કરવો પડશે જેની હાલમાં કોઇ શક્યતા દેખાઈ રહી નથી. આ વર્ષે નાણામંત્રી અરુણ જેટલીએ ૨૦૧૮ માટે રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેમાં કૃષિ ક્ષેત્રમાં ૨.૧ ટકા વિકાસદરનો અંદાજ મુક્યો હતો. હાલમાં મોદી સરકારે ખેડૂતો માટે ખરીફની ૧૪ પાક ઉપર લઘુત્તમ સમર્થન મૂલ્ય વધારવાનો નિર્ણય કર્યો હતો. ત્યારાદ મોદીના નેતૃત્વમાં ભાજપ દ્વારા આનો જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે, મોદીએ ખેડૂતોને કરેલા વચનો પૂર્ણ કર્યા છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે કોંગ્રેસની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી.

(8:07 pm IST)